ગુજરાત

સાબરકાંઠાઃ કાલીકાંકર ગામે પોલીસ સામે ફાયરિંગ અને પથ્થરમારાની ઘટના બાદ ગ્રામજનોની હિજરત, પોલીસ નિર્દોષ ગ્રામજોનો હેરાન કરતાં હોવાનો આક્ષેપ

Text To Speech

સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન બગડી રહી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે ત્યારે બાતમીના આધારે રેડ કરવા ગયેલા પોશીના પોલીસના જવાનો પર કાલીકાંકર ગૌરી ગામે બુધવારે કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર જ હુમલો કરી ખાનગી બંદૂકમાંથી ફાયરિંગ કરતાં ત્રણ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ખાનગી બંદૂકમાંથી ફાયરિંગ કરવાની ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા સહિત અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોશીના વિસ્તારમાં પોલીસકર્મીઓ પર કરવામાં આવેલા હુમલાની ગંભીરતા જોતાં સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યુ હતું. તો બીજી તરફ પોલીસના ડરથી અનેક પરિવારોએ હિજરત શરૂ કરી છે.

પોલીસના ડરથી ગ્રામજનોની હિજરત
પોલીસ ટીમ પર ફાયરિંગ અને પથ્થરમારાની ઘટના બાદ ગ્રામજનોના આક્ષેપ મુજબ પોલીસ અત્યાચાર કરતી હોવાના કારણે પોશીના, ખેડબ્રહ્મા સહિતના આદિવાસી આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં પોલીસ દ્વારા મહિલાઓ સાથે અમાનવિય વર્તન કરાયાના ગંભીર આક્ષેપ છે. ત્યારે પોલીસના ડરથી મોટી સંખ્યામાં ગ્રામજનોએ હિજરત શરૂ કરી છે.

આવેદનપત્ર આપવામાં આવ્યું છેઃ પોશીના મામલતદાર
પોશીના મામલતદાર મનોજ મિશ્રાએ જણાવ્યું કે કાલીકંકર ગામે થયેલી ફાયરિંગ ઘટના બાદ પોલીસ દ્વારા નિર્દોષ ગ્રામજનો પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આદિવાસી આગેવાનો દ્વારા આવેદનપત્ર અપાયું છે, જે સરકારને મોકલી અપાયું છે.

કાલીકાંકર ગૌરી ગામે કોઇ શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની બાતમી મળતાં પોશીના પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ રેડ કરવા ગયા હતા

પોલીસ પર ફાયરિંગ અને પથ્થરમારો
કાલીકાંકર ગૌરી ગામે કોઇ શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની બાતમી મળતાં પોશીના પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ રેડ કરવા ગયા હતા. પોલીસ આવી પહોંચી હોવાની જાણ થતાં જ પોલીસના જવાનો પર ખાનગી બંદૂકમાંથી ફાયરિંગ કરવાની સાથે ટોળુ આવી જતા પથ્થરમારો પણ કર્યો હતો. રેડ કરવા ગયેલા પોલીસકર્મી અમીતકુમાર મોડીયા (ઉ.વ.૩૭) અને અભિજીતસિંહ જેતાવત (ઉ.વ.૩૦) સહિત અન્ય પોલીસકર્મીને ગંભીર ઇજાઓ થઇ હતી.

કાલીકાંકર ગૌરી ગામે પોલીસ પર થયેલા હુમલાની ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા, ખેરોજ, વડાલી સહિતના પોલીસ મથકના પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક ખેડબ્રહ્મા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અમીતકુમાર મોડીયા અને અભિજીતસિંહ જેતાવતને વધુ સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમને સારવાર આપવામાં આવી રહી છે.

પોલીસે 10ની ધરપકડ કરી, 7 સામે ફરિયાદ
પોલીસે આ પ્રકરણમાં 10 લોકોની ધરપકડ કરી છે અને 7 સામે નામજોગ ફરિયાદ નોંધાઇ છે. પોશીના પોલીસ કોન્સ્ટેબલ વાસુભાઇ ઇન્દુભાઈ સોલંકીની ફરિયાદના આધારે પોલીસે 7 શખ્શો સામે નામજોગ અને 100થી વધુના ટોળા વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરતાં ગુરૂવારે કાલીકાંકરના રોપાડોરા ફળોની નજીક આવેલા ડુંગરોમાંથી પોલીસ દ્વારા 10 શખ્સોની અટકાયત કરી તમામને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

આ 10ની ધરપકડ થઈ છે
1. મકનાભાઈ ગોપાભાઈ ગમાર
2. સાધુભાઈ હોનાભાઈ ગમાર
3. અજીતભાઈ સાયબાભાઈ ગમાર
4. અન્દુબેન મકનભાઈ ગમાર
5. દિવાળીબેન કાંતુભાઈ ગમાર
6. ગુજરીબેન મણસાભાઈ ગમાર
7. લાસુબેન મોનાભાઈ ગમાર
8. હોમીબેન અણદાભાઈ ગમાર
9. કાળીબેન કાંતુંભાઈ ગમાર
10. કોકીલાબેન મોહનભાઈ ગમાર

ઘાયલ પોલીસકર્મીને અમદાવાદ ખસેડાયો
ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલ અમિતભાઈ મોડિયાને હિંમતનગરમાં સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

Back to top button