સાબરકાંઠાઃ ઓનલાઈન મગાવેલું પાર્સલ ખોલતાં જ થયો વિસ્ફોટ, બે જણે જીવ ગુમાવ્યો
સાબરકાંઠા, 2 મે, 2024: સાબરકાંઠાના વડાલી તાલુકામાં એક વ્યક્તિને ઓનલાઈન પાર્સલ મગાવવાનું મોંઘું પડ્યું છે. ઓનલાઈન પાર્સલ મગાવનાર આ વ્યક્તિ ઉપરાંત તેની દીકરીનાં મૃત્યુ થઈ ગયાં છે કેમ કે મગાવેલું પાર્સલ ખોલતાં જ તેમાં વિસ્ફોટ થયો હતો.
અહેવાલો મુજબ આ પાર્સલમાં વિસ્ફોટ થતાં અન્ય ત્રણ વ્યક્તિને પણ ઈજાઓ થઈ હતી જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.
વડાલીના વેડા ગામમાં ઓનલાઈન મગાવેલું પાર્સલ ખોલતાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે પાર્સલ ખોલનાર વ્યક્તિના હાથના ફૂરચા ઊડી ગયા હતા એટલું જ નહીં પરંતુ એ વિસ્ફોટથી એ વ્યક્તિની છાતીમાં પણ છેદ પડી ગયા હતા અને તેનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. નજીકમાં રહેલી તેની દીકરી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. અન્ય ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે અને પોલીસ પણ તપાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, પાર્સલમાં શું મગાવવામાં આવ્યું હતું? અને પાર્સલ ક્યાંથી આવ્યું હતું? શું પાર્સલમાં કોઈ વિસ્ફોટક સામગ્રી મગાવવામાં આવી હતી કે પછી કોઈએ બદલો લેવા માટે પાર્સલ મોકલ્યું હતું?
ગુજરાતમાં આ રીતે પાર્સલમાં વિસ્ફોટ થવાની આ કદાચ પહેલી ઘટના છે અને તેથી રોજેરોજ ઑનલાઈન વસ્તુઓ મગાવતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. જોકે, પ્રારંભિક તપાસમાં પોલીસ એવી આશંકા વ્યક્ત કરી રહી છે કે, આ પાર્સલ મગાવવામાં આવેલું નહોતું પરંતુ કોઈએ બદલો લેવાના ઈરાદાથી જાતે જ મોકલ્યું હશે અને તે મેળવનાર વ્યક્તિએ કૂતુહલવશ એ ખોલ્યું હશે. અલબત્ત, તપાસ બાદ જ સાચી વાતની જાણ થશે.
છેલ્લે મળતી માહિતી અનુસાર, સંભવતઃ આ પાર્સલ ઑનલાઈન નહોતું મગાવેલું, પરંતુ ગામની જ કોઈ વ્યક્તિએ અથવા આસપાસના ગામની કોઈ વ્યક્તિએ પાર્સલ તૈયાર કરીને હાથેથી સરનામું લખીને મોકલ્યું હતું. તેથી પ્રાથમિક રીતે પોલીસને કોઈ કાવતરાંની આશંકા લાગે છે.
આ પણ વાંચોઃ NEET UG-2024ના એડમિટ કાર્ડ જારી, અહીં આપેલી લિંક પરથી કરો ડાઉનલોડ