ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈંડિયા કોની સામે રમશે, આજે નક્કી થઈ જશે, કોઈ પણ ટીમ જીતે ઈતિહાસ રચાશે

SA vs NZ: semifinal match 2: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 4 માર્ચના રોજ પહેલી સેમીફાઈનલ મેચ દુબઈમાં રમાઈ ગઈ. આ મેચમાં ટીમ ઈંડિયાએ વર્લ્ડ ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો. ટીમ ઈંડિયાએ વિરાટ કોહલી કોહલીની શાનદાર ઈનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટ હરાવી દીધી અને રોહિત શર્માની કપ્તાનીમાં સતત બીજી વાર આઈસીસી વન ડે ટૂર્નામેન્ટની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે.
ટુર્નામેન્ટની ટાઇટલ મેચમાં ભારત હવે દક્ષિણ આફ્રિકા અથવા ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાશે. જો દક્ષિણ આફ્રિકાની ટીમ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચવામાં સફળ થાય છે, તો એક નવો ઇતિહાસ રચાશે.
ભારત કોની સામે ફાઈનલ રમશે?
હકીકતમાં જોઈએ તો, ભારત ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની 5મી ફાઇનલ મેચ રમશે અને તેની પાસે ત્રીજી વખત ચેમ્પિયન બનવાની તક હશે. વર્ષ 2002 માં, ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી, જ્યારે 2013 માં, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. જો ભારતીય ટીમ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરે છે, તો ટુર્નામેન્ટના ઇતિહાસમાં આવું પહેલી વાર બનશે. ભારત અને દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ક્યારેય આમને-સામને થયા નથી. જોકે, ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2024માં, બંને ટીમો ફાઇનલમાં ટકરાઈ હતી અને ત્યારબાદ ભારતે ટાઇટલ જીત્યું હતું.
બીજી તરફ, જો ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ મેચમાં સ્થાન મેળવે છે, તો 25 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ૨૦૦૦માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. તે મેચમાં, ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ભારત કઈ ટીમનો સામનો કરશે.
ફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે?
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની. આ સાથે નક્કી થયું કે ફાઇનલ મેચ દુબઈમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હોત, તો ફાઇનલ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હોત. અહીં ઉલ્લેખનિય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચની તારીખ 9 માર્ચ નક્કી કરવામાં આવી છે. ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો, આવું કરનારો દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો, સચિન અને પોન્ટિંગને પણ પાછળ રાખ્યા