ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

SA vs NZ: ન્યૂઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાએ 190 રનથી મેળવી જીત

WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 32મી મેચ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાએ 190 રનના વિશાળ માર્જિનની જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડને જીતવા માટે દક્ષિણ આફ્રિકાએ 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ કિવી ટીમ માત્ર 167 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી

ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે. હવે દક્ષિણ આફ્રિકાના 7 મેચમાં 12 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાની ટીમે 6 મેચ જીતી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમના 6 મેચમાં 12 પોઈન્ટ છે. ભારતીય ટીમે તેની તમામ મેચ જીતી છે. આ રીતે ભારત અને દક્ષિણ આફ્રિકાના 12-12 પોઈન્ટ સમાન છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ ટોપ પર છે.

ન્યૂઝીલેન્ડને 358 રનનો લક્ષ્યાંક મળ્યો હતો

પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 357 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના 357 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા હતા. કિવી ટીમને પહેલો ફટકો 8 રનના સ્કોર પર લાગ્યો હતો. ડ્વેન કોનવે માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી.

ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોનો ફ્લોપ શો…

ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપે સૌથી વધુ રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપે 50 બોલમાં 60 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ઓપનર વિલ યંગે 37 બોલમાં 33 રન બનાવ્યા હતા. ડેરીલ મિશેલે 30 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. કિવી ટીમના 8 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા ન હતા.

દક્ષિણ આફ્રિકાના બોલરોએ વિકેટનો વરસાદ કર્યો

દક્ષિણ આફ્રિકાના બોલરોમાં કેશવ મહારાજે 9 ઓવરમાં 46 રનમાં 4 વિકેટ લીધી હતી, માર્કો યુનસેને 3, ગેરાલ્ડ કોત્ઝે 2 વિકેટ લીધી હતી. કાગિસો રબાડાએ કેપ્ટન ટોમ લાથમની વિકેટ લીધી હતી.

ક્વિન્ટન ડી કોક અને વેન ડેર ડ્યુસેને સદી ફટકારી

દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 4 વિકેટે 357 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોક અને વેન ડેર ડ્યુસેને સદીની ઇનિંગ્સ રમી હતી. ક્વિન્ટન ડી કોકે 116 બોલમાં 114 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જ્યારે વાન ડેર ડ્યુસેને 118 બોલમાં 133 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ સિવાય ડેવિડ મિલરે 30 બોલમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ રીતે દક્ષિણ આફ્રિકાની ટીમે જોરદાર સ્કોર બનાવ્યો.

આ પણ વાંચો: ભારતરત્ન સચિન તેંડુલકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ

Back to top button