રશિયાના Wagner Groupએ 80 ટકા પ્રાઈવેટ સૈનિકોની જેલમાંથી કરી ભરતી!
રશિયાની પ્રાઈવેટ સૈન્ય કંપની ‘વેગનર ગ્રુપ’એ પોતાના દેશની સેના સામે જ બળવો કર્યો છે. વેગનર જૂથના વડા, યેવજેની પ્રિગોઝિને રશિયાના લશ્કરી નેતૃત્વને ઉથલાવી દેવાની ધમકી આપી છે. યુક્રેન યુદ્ધમાં રશિયન સેના સાથે મળીને લડેલા વેગનર ગ્રુપના આ બળવાને કારણે રશિયામાં ગૃહયુદ્ધની આશંકા વધી ગઈ છે.
રશિયામાં ગ્રૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ
સૌપ્રથમ સંરક્ષણ મંત્રાલયે વેગનર લડવૈયાઓને તેમના નિર્ધારિત ઠેકાણાઓ પર પાછા ફરવા કહ્યું છે. જ્યારે પરિસ્થિતિમાં પૂરતો સુધારો ન થયો ત્યારે રશિયાના રાષ્ટ્રપતિએ દેશને સંબોધિત કરતી વખતે, પ્રિગોઝિનના બળવાને રાજદ્રોહ અને ગદ્દારી ગણાવ્યો છે. રાષ્ટ્રપતિના સંબોધનના થોડા સમય બાદ નેશનલ ગાર્ડે સેન્ટ પીટર્સબર્ગમાં વેગનર ગ્રુપની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. વેગનર ચીફ સાથે જોડાયેલી મિલકતો પર દરોડા ચાલુ છે. પુતિન અને રશિયન સૈન્ય પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
‘વેગનર ગ્રુપ’ શું છે?
‘વેગનર ગ્રુપ’ પોતાને એક ખાનગી લશ્કરી કંપની કહે છે. આ ગ્રુપે વર્ષ 2022માં પોતાને એર કંપની તરીકે નોંધણી કરાવી હતી. આ જૂથમાં હજારો ભાડૂતી સૈનિકો કામ કરે છે. આ જૂથમાં સમયાંતરે લડવૈયાઓની ભરતી કરવામાં આવે છે. જૂથમાં જોડાનારા મોટાભાગના લડવૈયાઓ ગંભીર ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે.
80 ટકા પ્રાઈવેટ સૈનિકોની જેલમાંથી ભરતી કરાઈ!
બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જાન્યુઆરીમાં કહ્યું હતું કે વેગનર ગ્રુપના હજારો લડવૈયાઓ રશિયા વતી યુક્રેનમાં લડી રહ્યા છે. બીબીસીએ તેના અહેવાલમાં યુએસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલને ટાંકીને જણાવ્યું હતું કે વેગનર ગ્રૂપે યુક્રેનમાં લડતા તેના લગભગ 80 ટકા લડવૈયાઓની જેલમાંથી ભરતી કરી હતી.
કેટલા પૈસા લે છે ભાડૂતી સૈનિકો?
બીબીસીના એક રિપોર્ટ અનુસાર, વેગનર ગ્રુપ તેના પ્રાઈવેટ લડવૈયાઓને 1500 ડોલર (લગભગ 1.22 લાખ રૂપિયા) પગાર તરીકે આપે છે. યુદ્ધના મેદાનમાં ઉતરવા પર, આ રકમ $ 2000 (1.6 લાખ રૂપિયા) બની જાય છે.
આ પણ વાંચો: પુતિનનું રાષ્ટ્રના નામે સંબોધન: વેગનર જૂથના બળવાને ગણાવ્યો વિશ્વાસઘાત; વિદ્રોહીઓને મારવાનો આપ્યો આદેશ