રશિયાની પાકિસ્તાનને મદદ
- રશિયાએ પાકિસ્તાનને કરી મદદ
- રશિયાએ જહાજમાં 45,142 મેટ્રિક ટન રશિયન ક્રૂડ ઓઈલ મોકલ્યું
- આર્થિક સંકટને કારણે પાકિસ્તાન બન્યુ બેહાલ
- પાકિસ્તાને રશિયા પાસેથી કુલ 1,00,000 ટન ક્રૂડ ઓઈલની કરી આયાત
રશિયાએ તાજેતરમાં પાકિસ્તાનને ક્રૂડ ઓઈલ મોકલ્યુ છે. આ દરમિયાન એવા સમાચાર છે કે મંગળવારે રશિયન એલપીજી કાર્ગોનો પ્રથમ બેચ પણ ખૈબર પખ્તુનખ્વાના તોરખામ બોર્ડર દ્વારા પાકિસ્તાન પહોંચ્યો છે. રશિયાએ તેને ટ્રેન દ્વારા ઉઝબેકિસ્તાન પહોંચાડ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 10 એલપીજી ટેન્કરો પાકિસ્તાનમાં પ્રવેશ્યા છે, જ્યારે અન્ય રસ્તા પર છે. 1,10,000 ટન એલપીજીની આ પ્રથમ બેચ છે.
પાકિસ્તાનમાં આર્થિક સંકટ
અહેવાલ અનુસાર, ટેન્કરોના કાફલાને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર ક્લિયરન્સ માટે રોકવામાં આવ્યો હતો. આ કાર્ગો અફઘાનિસ્તાનથી ઉઝબેકિસ્તાન થઈને પાકિસ્તાન પહોંચ્યો છે. પાકિસ્તાનને રશિયન ગેસ એવા સમયે મળ્યો છે જ્યારે રશિયન ક્રૂડનો પહેલો કન્સાઈનમેન્ટ રવિવારે જ કરાચી પહોંચ્યો હતો. કરાચી બંદરે પહોંચેલા આ જહાજમાં 45,142 મેટ્રિક ટન રશિયન ક્રૂડ ઓઈલ હતું. આર્થિક સંકટને કારણે પાકિસ્તાન ઉર્જાનાં ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે.
પાકિસ્તાન ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે
ઘટતા જતા ગેસના ભંડાર અને આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે પાકિસ્તાન હવે તેની ઊર્જાની માંગને પહોંચી વળવા નવા રસ્તાઓ શોધી રહ્યું છે. વિશ્વનો પાંચમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પાકિસ્તાન લાંબા સમયથી ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન તેના 84 ટકા પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરે છે જેના માટે તે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવા ગલ્ફ આરબ સાથી દેશો પર નિર્ભર છે.
પાકિસ્તાનના પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ આપી માહિતી
પાકિસ્તાનના પેટ્રોલિયમ રાજ્ય મંત્રી મુસાદિક મલિકે સોમવારે કહ્યું હતું કે પાકિસ્તાને ચીનના ચલણમાં સબસિડીવાળા રશિયન ક્રૂડ ઓઈલ માટે ચૂકવણી કરી છે. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, ‘પાકિસ્તાને રશિયા પાસેથી 1,00,000 ટન ક્રૂડ ઓઈલની આયાત કરી છે.’
આ પણ વાંચો: બિપરજોયથી પાકિસ્તાનમાં પણ ડરનો માહોલ; 80 હજાર લોકોનું કરાશે સ્થળાંતર