કીવઃ યુક્રેનમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે દરેક જગ્યાએ સામૂહિક કબ્રસ્તાન મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં ઘણા લોકોને મારીને દફનાવવામાં આવ્યા છે. પહેલા બુચા શહેરમાં એક સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું હતું અને હવે રાજધાની કિવથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર બીજું સમાન સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું છે.
બળાત્કાર કરી ગોળીઓ મારીઃ ડોક્ટર
આ માત્ર સમાચાર જ નથી! આ કબરોમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હૃદયદ્રાવક વાસ્તવિકતા સામે આવી રહી છે. ડોક્ટર્સનો દાવો છે કે, જે મહિલાઓના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેઓ પર પહેલાં બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેમને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી દેવામાં આવી.
ફોરેન્સિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો
યુક્રેનિયન ફોરેન્સિક ડૉક્ટર બ્લાડિસ્લાવ પેરોવ્સ્કી અને તેમની ટીમ કિવ નજીક સામૂહિક કબરમાંથી મળેલા મૃતદેહો પર પોસ્ટમોર્ટમ કરી રહી છે. ડૉ.બ્લાડિસલેવના જણાવ્યા અનુસાર, તેમને ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે, જે યુક્રેનિયન મહિલાઓને મારીને કબરમાં દફનાવવામાં આવી હતી તેમના પર અગાઉ બળાત્કાર થયો હતો. તેમણે આ ઉપરાંત કંઈ પણ જણાવવાની ના પાડી હતી. કારણ કે તેમની ટીમે હજુ પણ કેટલાંક મૃતદેહોની તપાસ કર્યા બાદ ડેટા તૈયાર કરવાનો બાકી છે.
રશિયન સૈનિકોએ નરસંહાર કર્યો હોવાનો દાવો
ડૉ. બ્લાડિસ્લાવ અને તેમની ટીમ બુચા, ઇરપિન અને બોરોડિંકા શહેરમાંથી મળી આવેલા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પણ કરી રહી છે. તેમના પર આરોપ છે કે આ સ્થળોએ રશિયન સૈનિકોએ નરસંહાર કર્યો છે. મળતી માહિતી મુજબ, ડૉ. બ્લાડિસ્લાવ અને તેમની ટીમ દરરોજ 15 મૃતદેહોની તપાસ કરે છે. આમાંના ઘણા મૃતદેહો સડી ગયા છે અને ખૂબ જ ખરાબ હાલતમાં છે.
માથા વગરના મૃતદેહો પણ મળ્યાં: ડો. બ્લાડિસ્લાવ
ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ડૉ. બ્લાડિસ્લાવે કહ્યું – ઘણા મૃતદેહો છે જેની ઓળખ કરવી અશક્ય છે. ઘણા લોકોના ચહેરા ખરાબ રીતે કચડાઈ ગયા છે. આપણે તેમના શરીરના અવશેષો ઉમેરવા પડશે. ક્યારેક એવું શરીર પણ મળી આવે છે કે જેના પર માથું ન હોય.