G20 સમિટમાં ભાગ લેવા ભારત આવી શકે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
ભારતમાં યોજાનારી G20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહોંચે તેવી પ્રબળ શક્યતાઓ છે. ક્રેમલિને સોમવારે આના સંકેત આપ્યા છે. નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના સમૂહ G20ના નેતાઓની સમિટ યોજાવા જઈ રહી છે. રશિયન સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાજરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રશિયન રાષ્ટ્રપતિએ બાલીમાં આયોજિત આ કોન્ફરન્સથી પોતાને દૂર રાખ્યા હતા. તેણે પોતાના વિદેશ મંત્રીને બાલી મોકલ્યા હતા. ભારત હવે G20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. અગાઉ અધ્યક્ષપદ ઈન્ડોનેશિયા પાસે હતું.
ક્રેમલિને માહિતી આપી હતી
પુતિનની ભારત મુલાકાત પર, ક્રેમલિને કહ્યું કે તે નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ ઓફ 20 (G20) નેતાઓની સમિટમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની સહભાગિતાને નકારી શકતું નથી. જણાવી દઈએ કે ભારતે રશિયન રાષ્ટ્રપતિને G20 સમિટમાં ભાગ લેવા માટે ઔપચારિક આમંત્રણ આપ્યું છે સાથે જ ક્રેમલિને પણ તેનો સ્વીકાર કર્યો છે.
ઇનકાર નહીં, પણ નિર્ણય લેવાયો નથી
જ્યારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને પૂછવામાં આવ્યું કે શું પુતિન દિલ્હી સમિટમાં ભાગ લઈ શકશે? આના પર દિમિત્રી પેસ્કોવે કહ્યું કે ‘તેને નકારી શકાય નહીં’. રશિયા G20 ફ્રેમવર્કમાં સંપૂર્ણ રીતે ભાગ લેવાનું ચાલુ રાખે છે. તે આમ કરવાનું ચાલુ રાખવા માગે છે. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.”
પુતિને ગયા વર્ષે ભાગ નહતો લીધો
મહત્વનું છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર થયેલા હુમલા બાદથી પુતિને હજુ સુધી પૂર્વ સોવિયત સંઘની સરહદની બહાર યાત્રા કરી નથી. પુતિન ગયા નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G20 સમિટમાં પણ હાજરી આપી ન હતી. ત્યારપછી તેમણે યુક્રેન પરના હુમલાને લઈને પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે તેમની જગ્યાએ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને તેમાં ભાગ લેવા મોકલ્યા. ઉપરાંત, પુતિન આના એક વર્ષ પહેલા રોમમાં આયોજિત G-20 સમિટમાં પણ ભાગ લીધો ન હતો.
આ દેશો G-20 ગ્રુપમાં સામેલ છે
G-20 દેશોના જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે.