વિશેષસ્પોર્ટસ

શા માટે રશિયાએ ટોમ ક્રુઝનો deep fake વિડીયો વાયરલ કર્યો?: જાણો વિગતો

Text To Speech

5 જૂન, પેરીસ: આવતા મહીને પેરીસમાં આયોજિત ઉનાળુ ઓલિમ્પિક્સમાં રમવા માટે રશિયા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આવામાં ગઈકાલે રશિયાના હેકર્સ દ્વારા ટોમ ક્રુઝનો deep fake વિડીયો વાયરલ કર્યો છે. રશિયાનું આમ કરવા પાછળનો ઈરાદો પણ રસપ્રદ છે.

આમ તો રશિયા ઓલિમ્પિક્સ સમિતિના ઝંડા હેઠળ પોતાની ટીમ ઉતારી શકે છે પરંતુ લાગે છે કે પુતિનના આ દેશને પોતાના દેશ પરનો પ્રતિબંધ જરાય ગમ્યો નથી. આ જ કારણ હેઠળ રશિયા ઓલિમ્પિક્સ અને ખાસ કરીને તેના યજમાન શહેર પેરીસ ઉપર ખૂબ ગુસ્સે થયું છે.

રશિયામાં બેસેલા હેકર્સ દ્વારા એક કલાક લાંબી ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે અને તેને વાયરલ કરવામાં આવી છે. આ વિડીયોમાં પેરીસ ઓલિમ્પિક્સ અંગે ખોટા સમાચારો ઉપરાંત અમેરિકન અને ફ્રેંચ ઇન્ટેલિજન્સ એન્જસીઓની પણ મશ્કરી કરવામાં આવી છે. આ ઉપરાંત એવી ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે અને લોકોને સચેત કરવાનો પ્રયાસ કરાયો છે કે તેઓ આ ઓલિમ્પિક્સથી દૂર જ રહે.

એક રિપોર્ટ અનુસાર આ અફવા ફેલાવવાનું કાર્ય રશિયન કંપની સ્ટોર્મ – 1679 દ્વારા કરવામાં આવ્યું છે. જોકે રવિવારનો આ વિડીયો તે તેનું પહેલું આવું કાર્ય નથી. આ કંપની ગત માર્ચથી જ પોતાના પ્રોજેક્ટને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહી છે. વિડીયોમાં ઓલિમ્પિક્સ દરમ્યાન મોટો આતંકવાદી હુમલો થવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આથી લોકોએ પોતાની સુરક્ષા ખાતર પણ ગેમ્સથી દૂર રહેવું જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.

જ્યાં સુધી ટોમ ક્રુઝનો deep fake વિડીયો શું કહે છે તેની વાત છે તો, તે 2013ની ‘Olympus Has Fallen’ની નકલ કરીને તેને ‘Olympics Has Fallen’ નામ આપવામાં આવ્યું છે. આ વિડીયોમાં ટોમ ક્રુઝના અવાજને deep fakeનો ઉપયોગ કરીને તેને બદલી નાખવામાં આવ્યો છે. આટલું જ નહીં વિડીયો પર Netflixનો લોગો પણ લગાવવામાં આવ્યો છે જેથી લોકો તેને સાચો માની લે.

આ વિડીયોને જોકે હાલમાં જ યુટ્યુબ દ્વારા પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી લેવામાં આવ્યો છે.

આ વિડીયોમાં ફ્રાંસના રાષ્ટ્રપતી ઇમાન્યુએલ મેક્રોંની છાપને ખરાબ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. વિડીયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓલિમ્પિક્સ પર એટલો મોટો ભય છે કે મેક્રોંએ તેની સુરક્ષા માટે યુક્રેન મોકલેલા પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે.

Back to top button