ગુજરાત

રશિયા યુક્રેન યુદ્ધને કારણે તેલના ભાવ હજુ વધશે, સિંગતેલનો ડબ્બો 3000 પહોંચે તેવી શક્યતા

Text To Speech

રિજનલ ડેસ્ક: રશિયા-યુક્રેન વચ્ચે 60 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં સનફ્લાવર ઓઇલનો સપ્લાય ઘટ્યો છે ત્યારે જ હવે આગામી તા.28મી એપ્રિલથી ઇન્ડોનેશિયાએ ભારતમાં પામતેલની નિકાસબંધીનો નિર્ણય જાહેર કરતા ખાદ્યતેલ ક્ષેત્રે અછત સર્જાવાની દહેશત વચ્ચે રોજિંદા ખાવાના ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલોના ભાવ વધુ ભડકે બળે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.

બજારના સૂત્રો તેવી પણ દહેશત વ્યક્ત કરી રહ્યા છે કે, સંભવતઃ આગામી દિવસોમાં સિંગતેલનો ડબ્બો ત્રણ હજારની સપાટી કુદાવી જાય તો પણ નવાઇ નહીં !ઇન્ડોનેશિયાએ તમામ પ્રકારના ખાદ્યતેલોની નિકાસ પર 28થી અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. હાલ ભારતમાં પામતેલની કુલ આયાત પૈકી 45 ટકાથી વધુ હિસ્સો ઇન્ડોનેશિયાનો છે ત્યારે તે સપ્લાઇ હવે બંધ થવા જઇ રહ્યો છે. ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો પામતેલનો ઉત્પાદક દેશ છે. જો ત્યાંથી પામતેલની આવક બંધ થશે તો તેની ભરપાઇ મલેશિયન પામતેલ અથવા અન્ય કોઇ રીતે થઇ શકે તેમ નથી.

યુદ્ધ વચ્ચે યુક્રેનથી ફેબ્રુઆરીમાં 1.52 લાખ ટન અને માર્ચમાં 2.12 લાખ ટન સનફ્લાવરની આયાત થઇ હતી. જે આંકડો એપ્રિલમાં ઘટી 60-70 હજાર ટને પહોંચી જાય તેવો અંદાજ મુકાઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે ઇન્ડોનેશિયાના પામતેલનો સપ્લાય બંધ થશે તો ભારતમાં ખાદ્યતેલની અછત સર્જાશે.

અસર: ‘પામતેલ નિકાસબંધીની અસર મે મહિનામાં દેખાશે’
ઇન્ડોનેશિયા દ્વારા પામતેલ નિકાસ બંધ થશે તેની અસર આવતા મહિને દેખાશે. ઇન્ડોનેશિયામાંથી પામતેલ ભારતમાં દર મહિને અંદાજે અઢીથી ત્રણ લાખ ટન ઇન્પોર્ટ થાય છે, જે 28મી એપ્રિલથી બંધ થશે. જેથી ખાદ્યતેલોમાં અછત સર્જાશે. ઇન્ડોનેશિયાએ રમજાનમાં ત્યાં પામતેલના ભાવ ઉંચા હોવાથી નિકાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.’ – ગોવિંદભાઇ પટેલ, અગ્રણી ઓઇલ રિસર્ચર

દહેશત: બ્રાઝિલ-આર્જેન્ટિનામાં દુષ્કાળ વચ્ચે સોયાતેલની આયાત ઘટવાના સંકેત
બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી ભારત સોયાતેલની આયાત કરે છે. જે બન્ને દેશોમાં દુષ્કાળની અસરે બ્રાઝિલમાં સોયાબીનનું ઉત્પાદન 170-180 લાખ ટન અને આર્જેન્ટિનામાં સોયાબીનનું ઉત્પાદન 30-40 લાખ ટન ઘટતા સોયાતેલની સપ્લાય આગામી સમયમાં ઘટી શકે છે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે.

સપ્લાય ઇફેક્ટ: રાઇડાની ઘટતી જતી આવકો વચ્ચે ક્રશિંગ ઘટ્યું, સપ્લાય ધીમો
ભારતમાં ચાલુ વર્ષે રાઇડાનું ઉત્પાદન વધ્યું છે, તેની અસરે સિઝનની શરૂઆતમાં દૈનિક 14-15 લાખ ગુણીની આવક થતી હતી, બાદમાં આવકો ઘટી હાલ રોજની 6-7 લાખ ગુણીએ પહોંચી ગઇ છે. રાઇડાનું ક્રશિંગ ઘટી રહ્યું છે, જેથી રાઇડાતેલની સપ્લાય પણ ધીમી પડી રહી છે.

Back to top button