યુક્રેનના વિવિધ ભાગોમાં રશિયાના હુમલા ચાલુ છે. યુદ્ધના મેદાનની ઘણી તસવીરો સામે આવી રહી છે. ત્યારે જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સૈનિકનો જીવ તેના સ્માર્ટફોનથી બચ્યો હતો તેવું દેખાિ રહ્યું છે. કથિત રીતે રશિયન સૈનિકો દ્વારા ચલાવવામાં આવેલી ગોળી તેના ખિસ્સામાં રહેલા સ્માર્ટફોનને વાગી હતી અને ત્યાં જ અટકી ગઈ હતી. આ વાયરલ વીડિયો રશિયા-યુક્રેન યુદ્ધનો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે.
30 સેકન્ડના લાંબા વીડિયોમાં એક કથિત યુક્રેનિયન સૈનિક અન્ય વ્યક્તિ સાથે વાત કરતો જોવા મળે છે. આમાં તે બોલી રહ્યો છે કે સ્માર્ટફોને તેનો જીવ બચાવ્યો. વીડિયોમાં દેખાઈ રહેલા સ્માર્ટફોનમાં 7.62 mmની બુલેટ ફસાઈ ગઈ છે. જો આ દાવો સાચો છે, તો સ્માર્ટફોને યુક્રેનિયન સૈનિક માટે બુલેટપ્રૂફ જેકેટ જેવું કામ કર્યું હતું.
ઉલ્લેખનીય કે, વાયરલ વીડિયોમાં ગોળીઓનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાય છે, જે બતાવે છે કે વીડિયો યુદ્ધના મેદાનનો છે.
રુશિયા-યુક્રેન યુદ્ધને બે મહિના થવાની તૈયારી છે, ત્યાં જ મોસ્કોએ પૂર્વ યુક્રેનમાં તેના હુમલાઓની તીવ્રતા વધારી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 21 એપ્રિલે જાહેરાત કરી હતી કે, વ્યૂહાત્મક બંદર શહેર મેરીયુપોલને ‘સફળતાપૂર્વક મુક્ત’ કરવામાં આવ્યું છે. હાલમાં, યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં બોમ્બ ધડાકામાં વધારો થયો છે. બંને પક્ષો આ પ્રદેશ પર નિયંત્રણ મેળવવા માટે જોરદાર લડાઈ કરી રહ્યા છે.