રશિયાએ અમેરિકા સાથે પરમાણુ સંધિને સ્થગિત કરી
રશિયાએ અમેરિકા સાથેની બાકી રહેલી પરમાણુ સંધિને સ્થગિત કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, રશિયા અમેરિકા સાથેની એકમાત્ર બાકી રહેલી પરમાણુ સંધિને પણ સ્થગિત કરી રહ્યું છે જે બંને પક્ષોના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રાગારને મર્યાદિત કરવા વિશે છે. અહેવાલ અનુસાર, યુક્રેનમાં યુદ્ધના લગભગ એક વર્ષ પછી રશિયન સંસદમાં મુખ્ય ભાષણ પછી પુતિને સાંસદોને કહ્યું હતું કે, હું આજે જાહેરાત કરવા માટે મજબૂર છું કે રશિયા વ્યૂહાત્મક શસ્ત્ર સંધિમાં તેની ભાગીદારી સ્થગિત કરી રહ્યું છે. નવી સ્ટાર્ટ સંધિ 2010માં પ્રાગમાં હસ્તાક્ષર કરવામાં આવી હતી અને તે પછીના વર્ષે અમલમાં આવી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનો કાર્યભાર સંભાળ્યા બાદ તેને 2021 સુધી 5 વર્ષ માટે આગળ ધપાવવામાં આવ્યો હતો. આ સંધિ અમેરિકા અને રશિયા તૈનાત કરી શકે તેવા વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોની સંખ્યા અને તેમની જમીન અને સબમરીન આધારિત મિસાઇલો અને બોમ્બર્સની જમાવટને મર્યાદિત કરે છે. નિષ્ણાતોના મતે, રશિયા પાસે વિશ્વમાં પરમાણુ શસ્ત્રોનો સૌથી મોટો ભંડાર છે એક અંદાજ મુજબ, ત્યાં તેમાં લગભગ 6,000 હથિયારો છે. રશિયા અને અમેરિકા પાસે વિશ્વના લગભગ 90% પરમાણુ હથિયારો છે જે વિશ્વને ઘણી વખત નષ્ટ કરવા માટે પૂરતા છે.
રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપિત જો બાઈડેન અચાનક યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા હતા. યુક્રેન પહોંચ્યા બાદ તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા હતા અને સાથે જ યુદ્ધ અંગે મહત્વની ચર્ચા કરી હતી. બાઈડેન ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા હતા અને તેમની આ મુલાકાતે તમામને ચોંકાવી દીધા હતા.