ટોપ ન્યૂઝવર્લ્ડ

રશિયાઃ પુતિને RS-28 સરમત મિસાઈલ લોન્ચ કરી, ચેતવણી આપતા કહ્યું – અમને ધમકી આપનારા હવે બે વાર વિચારશે

Text To Speech

મોસ્કોઃ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ RS-28 સરમત મિસાઈલનું પરીક્ષણ કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ મિસાઈલ (RS-28 સરમત મિસાઈલ) નેક્સ્ટ જનરેશનના ન્યુક્લિયર વોરહેડ્સથી હુમલો કરવામાં સક્ષમ છે. તેની ઓપરેશનલ રેન્જ 18000 કિમી (RS-28 સરમત રેન્જ) કરતાં વધુ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ પરિક્ષણની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, ‘રશિયાએ સરમત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આવી સ્થિતિમાં ક્રેમલિનના દુશ્મનોએ હવે બે વાર વિચારવું પડશે.’ થોડા દિવસ પહેલાં જ અમેરિકા અને યુક્રેને આશંકા વ્યક્ત કરી હતી કે, પુતિન રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

દુશ્મનો હવે બે વાર વિચારશેઃ પુતિન
પુતિને કહ્યું કે, ‘સરમત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલના સફળ પ્રક્ષેપણ પર હું તમને અભિનંદન આપું છું. આ ખરેખર એક અનોખું હથિયાર છે, જે આપણા સશસ્ત્ર દળોની લડાયક ક્ષમતાને મજબૂત બનાવશે. બાહ્ય જોખમોથી રશિયાની સુરક્ષાને નિશ્ચિતપણે સુનિશ્ચિત કરશે અને જે લોકો આક્રમક બનીને બયાનબાજી કરી અમને ધમકી આપી રહ્યા છે તેઓ હવે બે વખત વિચારશે.’

સરમત મિસાઈલ કેટલી શક્તિશાળી છે?
RS-28 સરમત એક સુપરહેવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. રશિયાના સ્ટ્રેટેજિક રોકેટ ફોર્સ દ્વારા તેને કમાન્ડ આપવામાં આવે છે. આ મિસાઈલને રશિયન કંપની મેકેયેવ રોકેટ ડિઝાઈન બ્યુરોએ ડિઝાઈન કરી છે. આ મિસાઇલ 2009થી ટ્રાયલ હેઠળ છે, તેને 2022માં જ રશિયન સેનામાં સામેલ કરવાની યોજના છે. આ મિસાઈલનું વજન 208.1 મેટ્રિક ટન છે, જ્યારે લંબાઈ 35.5 મીટર અને ગોળાકાર 3 મીટર છે. RS-28 સરમત મિસાઈલમાં 10થી 15 વોરહેડ્સ લાગેલા છે, જે બીજા તબક્કામાં વધુ ઝડપે વિવિધ સ્થળોનું નિશાન તાકી શકે છે.

25560 કિમી પ્રતિ કલાકની ઝડપ
ભારે ભરખમ RS-28 સરમત મિસાઇલને પાવર આપવા માટે RD-274 લિક્વિડ રોકેટ એન્જિન લગાવવામાં આવ્યું છે. આ મિસાઈલની ઓપરેશનલ રેન્જ 18000 કિમી છે. આ મિસાઈલ મેક 20.7 (લગભગ 25560 કિમી પ્રતિ કલાક)ની ઝડપે ઉડી શકે છે. આ મિસાઈલને S-400 જેવા સિલોસથી લોન્ચ કરી શકાય છે. આરએસ-28 સરમતને રશિયાનું સૌથી ખતરનાક વ્યૂહાત્મક હથિયાર માનવામાં આવે છે. 1 માર્ચ 2018ના દિવસે રાષ્ટ્રપતિ પુતિને મિસાઇલનું અનાવરણ કર્યું હતું. આ મિસાઈલ 10 ટન સુધીના વિસ્ફોટકોને લઈ જવા માટે સક્ષમ છે.

Back to top button