ટોપ ન્યૂઝવર્લ્ડ

રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર : પુતિનની પશ્ચિમના દેશોને ચેતવણી

Text To Speech

નવી દિલ્હી, 29 ફેબ્રુઆરી : રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. પુતિને ગુરુવારે રાષ્ટ્રને પોતાના વાર્ષિક સંબોધનમાં આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમી દેશો પરમાણુ સંઘર્ષની પરિસ્થિતિઓ બનાવવા માંગે છે, જેનાથી માનવ સંસ્કૃતિનો નાશ થાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિને કહ્યું કે પશ્ચિમી દેશો પરમાણુ યુદ્ધનો ‘વાસ્તવિક’ ખતરો પેદા કરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

પુતિને ચેતવણી આપી છે કે યુક્રેન યુદ્ધમાં હસ્તક્ષેપ કરનારાઓ માટે પરિણામ ખૂબ જ દુ:ખદ હશે. તેમને (પશ્ચિમ)એ સમજવું જોઈએ. મેં તેમને કહ્યું છે કે અમારી પાસે એવા હથિયારો પણ છે જે તેમના પ્રદેશો પરના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. પુતિને કહ્યું કે રશિયા તેની આંતરિક બાબતોમાં કોઈને હસ્તક્ષેપ કરવા દેશે નહીં.

પશ્ચિમી દેશો પર નિશાન સાધતા પુતિને કહ્યું કે તેઓ દાવો કરી રહ્યા છે કે રશિયા યુરોપ પર હુમલાની યોજના બનાવી રહ્યું છે. મને લાગે છે કે તેઓ વાહિયાત વાત કરી રહ્યા છે. તેઓ પોતે જ આપણા પ્રદેશ પર હુમલા માટેના લક્ષ્યોને ઓળખી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, પશ્ચિમી દેશોએ સમજવું જોઈએ કે અમારી પાસે એવા હથિયાર પણ છે જે તેમના વિસ્તારમાં નિશાનો પર હુમલો કરી શકે છે. આ કારણોસર ખરેખર પરમાણુ શસ્ત્રોના ઉપયોગથી સંઘર્ષ અને માનવ સંસ્કૃતિના વિનાશનો ભય છે. શું તેઓ (પશ્ચિમ) આ નથી સમજતા?

રશિયા અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે

પુતિને 15-17 માર્ચે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આગામી છ વર્ષની મુદત માટે આ ચૂંટણીમાં તેઓ ફરીથી ચૂંટાશે તે નિશ્ચિત છે. પુતિને રશિયાના વિશાળ અત્યાધુનિક પરમાણુ શસ્ત્રાગારની પ્રશંસા કરી, જે વિશ્વમાં સૌથી મોટા છે. રશિયન સમાચાર એજન્સી તાસ અનુસાર, પુતિને કહ્યું કે રશિયા અમેરિકા સાથે વ્યૂહાત્મક સ્થિરતા પર વાતચીત માટે તૈયાર છે. જોકે, તેમણે અમેરિકા સાથે ‘રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓથી અલગ’ ‘વ્યૂહાત્મક સ્થિરતા સંવાદ’ની શક્યતાને નકારી કાઢી હતી.

Back to top button