28 મે, નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના વિકેટકીપર ઋષભ પંતે એક્સિડન્ટ પછીના તેના ભયંકર અનુભવો શેર કર્યા છે. ક્રિકેટર શિખર ધવનની યુટ્યુબ ચેનલ ‘ધવન કરેંગે’ પરની ચર્ચામાં ઋષભ પંત ખુલીને ચર્ચા કરતો જોવા મળ્યો હતો.
ઋષભ પંતે કહ્યું હતું કે એક્સિડન્ટ બાદ તે એરપોર્ટ જવાથી ડરતો હતો કારણકે લોકો તેને વ્હીલચેરમાં બેસેલો જોઇને શું વિચારશે તેનાથી તેને એક ફોબિયા થઇ ગયો હતો. ઋષભ પંતને 2022ના ડિસેમ્બર મહિનામાં દિલ્હી-દહેરાદૂન હાઈવે પર થયેલા અક્સ્માત થયો હતો અને તેને ભયંકર ઈજાઓનો સામનો કરવો પડ્યો હતો
ઋષભે કહ્યું હતું કે, ‘એ અક્સ્માતે મારું આખું જીવન બદલી નાખ્યું છે. જ્યારે અક્સ્માત થયો અને મને ભાન આવ્યું ત્યારે મને થયું કે શું હું ખરેખર જીવું છું? પરંતુ એ ભગવાનની દયા જ છે કે હું બચી ગયો. અક્સ્માત બાદ પંતને અત્યંત ગંભીર સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું અને ત્યારબાદ એક લાંબી રિહેબિલિટેશનની પ્રક્રિયા પણ થઇ હતી.
વ્હીલચેર પર જવાથી ડરવાની વાતને યાદ કરતાં પંતે કહ્યું હતું કે તેના આખા જડબામાં એટલો તો દુઃખાવો થતો હતો કે તેનાથી સળંગ છથી સાત મહીના બ્રશ પણ કરી શકાયું ન હતું.
આ અક્સ્માત બાદ પંત દ્વારા અસંખ્ય પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પંતે લગભગ 14 મહીના બાદ કમબેક કર્યું હતું અને હાલમાં જ પૂર્ણ થયેલી IPLમાં તેણે પોતાની ક્ષમતાનું પ્રદર્શન પણ કર્યું હતું. ઋષભ પંતની આ કથામાંથી અનેક સ્પોર્ટ્સ પર્સન્સ પ્રેરણા લઇ શકે છે કે કેવી રીતે પીડા અને તકલીફોમાંથી પણ કોઈ વ્યક્તિ આત્મબળ અને આત્મશ્રદ્ધાથી કેવી રીતે બહાર આવી શકે છે.
ઋષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટન છે અને ટીમના કોચ રિકી પોન્ટિંગે પણ તેના મોફાટ વખાણ કર્યા છે. પોન્ટિંગનું કહેવું છે કે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર ICC T20 World Cupમાં ટીમ ઇન્ડિયા માટે કોઈ ખેલાડી X factorનું કામ કરશે તો તે ફક્ત ઋષભ પંત જ કરી શકશે.
પોન્ટિંગનું કહેવું છે કે ટીમ ઇન્ડિયાને જીત અપાવવા માટે ઋષભ પંતની બેટિંગ અને વિકેટકીપિંગ ઉપરાંત તેનો કદાપિ હાર ન સ્વીકારવા જેવા સ્વભાવની ખાસ મદદ મળશે.