ડોલર સામે રૂપિયો વધુ ઘટ્યો, રૂ. 87.25ના નવા નીચા સ્તરે


અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2025: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા છાશવારે ટેરીફ-ટેરીફનું ગાણું ગવાતું રહેતાં દેશ-વિદેશના કરન્સી બજારોમાં તાજેતરમાં વ્યાપક ઉથલપાથલ જોવા મળી છે.વાયદા બજારમાં નજીકની ડિલીવરીમાં એક્સપાયરી નજીક આવતાં વેચાણો કાપવાના સ્વરૂપમાં પણ ડોલરમાં લેવાલી વધ્યા હોવાની ચર્ચાની વચ્ચે ભારતીય રૂપિયાએ આજે ડોલર સામે 0.55 ટકા ગબડીને રૂ. 87.25નું નવું નીચુ મથાળું બનાવ્યુ છે.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ સ્પ્રિંગની જેમ ઉછળી રૂ.૮૭ની સપાટી કુદાવી ગયા હતા. ડોલર ઉછળતાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ રૂ.૮૬.૭૧ વાળા આજે સવારે રૂ.૮૬.૮૬ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૬.૮૫ થઈ ત્યારબાદ ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૭ પાર કરી રૂ.૮૭.૨૫ સુધી ઉંચકાઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૭.૧૯ રહ્યા હતા.
ડોલરના ભાવ ઝડપી ઉછળતાં હવે રિઝર્વ બેન્ક સરકારી બેન્કો મારફત કદાચ બજારમાં ડોલર વેંચવા આવશે એવી શક્યતા પણ જાણકારો સેવી રહ્યા છે. ડોલરના ભાવ નજીકના દિવસોમાં ઉંચામાં ૮૭.૪૦ તથા નીચામાં ૮૬.૮૫ વચ્ચે રહ્યાનો અંદાજ સેવાય છે. ડોલરના ભાવ આજે ઝડપી વધતાં રૂપિયામાં એક દિવસીય કડાકામાં પાછલા ૩ સપ્તાહનો રેકોર્ડ તુટયો હતો. આયાતકારોનું હેજીંગ તથા એનડીએફની એક્સપાયરીની અસર પણ કરન્સી બજારમાં રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી.
રૂપિયો તૂટતાં દેશમાં આયાત થતી સોના-ચાંદી તથા ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં હવે ફુગાવો તથા મોંઘવારી વધશે. આ પૂર્વે સરકાર દ્વારા આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર ઘટાડવામાં આવ્યા હતા અને તેના પગલે વિવિધ આયાતી ચીજોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી હતી. અને હવે પ્રવાહો પલ્ટાયા છે. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૬.૫૬ તથા ઉંચામાં ૧૦૬.૭૯ થઈ ૧૦૬.૬૫ રહ્યો હતો.
આ પણ વાંચોઃ હર હર મહાદેવઃ શિવ ભક્તિમાં લીન થયા બોલિવૂડ સ્ટાર્સ, આપી શિવરાત્રીની શુભેચ્છાઓ