અમેરિકન ડોલર સામે રૂપિયો ગગડીને ઐતિહાસિક 80 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ડોલરનો ભાવ શુક્રવારે રૂ.79.89 હતો. શનિવારે બંધ બજારે રૂ.79.82થી 79.83 થયા પછી સોમવારે સવારે ભાવ રૂ.79.79 ખૂલ્યો હતો. નીચી સપાટીએ રૂ.79.72થી 79.83 થયા પછી ઉંચી સપાટીએ ભાવ રૂ.80 થઈ રૂ.79.98 રહ્યા હતા. ડોલર સામે રૂપિયાની આ ઐતિહાસિક સપાટી છે. રૂપિયો ગગડયો તે પાછળના કારણો નાણામંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં રજૂ કર્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડના ભાવમાં વધારા જેવા પરિબળોને તેમણે જવાબદાર ગણાવ્યા હતા.
ડોલર સામે રૂપિયો ગગડીને 80ની નીચી સપાટીએ
ભારતીય ચલણ રૂપિયા માટે ખરાબ સમય ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રૂપિયાની વેલ્યુ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી ઓછી થતી જોવા મળી છે. રૂપિયો સતત એક પછી એક નવા નીચલા સ્તર પર પહોંચી રહ્યો છે. મંગળવારે ભારતીય શેર બજારમાં ઘટાડા વચ્ચે રૂપિયાએ ઘટાડાનો નવો રેકોર્ડ બનાવ્યો. રિઝર્વ બેંકના હાલના પ્રયત્નો બાદ પણ રૂપિયાનું ગગડવાનું સતત ચાલુ છે. મંગળવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો ડોલરની સરખામણીમાં પહેલીવાર 80થી પણ નીચે ગયો.
8 વર્ષમાં 25 ટકા ગગડ્યો રૂપિયો
ઇન્ટરબેંક ફોરેક્સ એક્સચેન્જના ટ્રેડિંગમાં રૂપિયો શરૂઆતમાં ગગડ્યો અને ડોલર (USD) સામે 80ની નીચે ખૂલ્યો. 80ના સ્તરને રૂપિયા માટે મહત્વનો મનોવૈજ્ઞાનિક આધાર માનવામાં આવતો હતો. ઘણા દિવસોથી એવું લાગતું હતું કે રૂપિયો આ સ્તર તોડીને ઘટાડાનો નવો રેકોર્ડ બનાવી શકે છે. આંકડાઓ પર નજર કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો લગભગ 7 ટકા નબળો પડ્યો છે. આજે તે શરૂઆતના વેપારમાં ડોલર સામે 80.0175 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ પહેલા સોમવારે ડોલર સામે રૂપિયો 79.9775 ના સ્તર પર બંધ થયો હતો.
ડોલર અને યુરો મૂલ્યમાં સમાન
ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. અત્યારે મુખ્ય કરન્સીના બાસ્કેટમાં ડોલરની સતત મજબૂતીને કારણે રૂપિયાની સ્થિતિ પણ નબળી પડી છે. લગભગ બે દાયકા પછી, ડોલર અને યુરો મૂલ્યમાં સમાન બની ગયા છે, જો કે યુરો સતત ડોલરની ઉપર રહ્યો છે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો, ડિસેમ્બર 2014થી અત્યાર સુધી તે ડોલરની સરખામણીમાં લગભગ 25 ટકા નબળો પડ્યો છે. એક વર્ષ પહેલા ડોલર સામે રૂપિયો 74.54 ના સ્તરે હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે રૂપિયામાં તાજેતરના ઘટાડાનું કારણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો અને રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓ સુધી ચાલેલા યુદ્ધ છે.
આ કરન્સી ડોલર સામે ઘટી હતી
નાણામંત્રીએ કહ્યું હતું કે અન્ય ઘણા દેશોની કરન્સી ભારતીય રૂપિયા કરતા વધુ ઘટી રહી છે. તેમણે કહ્યું હતું કે, ‘બ્રિટિશ પાઉન્ડ, જાપાનીઝ યેન અને યુરો જેવી કરન્સી ડોલર સામે રૂપિયા કરતાં વધુ નબળી પડી છે. આ જ કારણ છે કે 2022માં બ્રિટિશ પાઉન્ડ, જાપાનીઝ યેન અને યુરો જેવી કરન્સી સામે ભારતીય રૂપિયો મજબૂત થયો છે.
આ કારણોસર ડોલર મજબૂત બની રહ્યો છે
બદલાતી સ્થિતિએ સમગ્ર દુનિયા પર મંદીનું જોખમ ઊભું કર્યું છે. અમેરિકામાં મોંઘવારી 41 વર્ષના ઉચ્ચ સ્તરે છે. જેને કાબૂમાં કરવા માટે ફેડરલ રિઝર્વ ઝડપથી વ્યાજ દર વધારી રહ્યું છે. મોંઘવારીના તાજા આંકડા બાદ અમેરિકામાં વ્યાજ દરમાં એક ઝાટકે એક ટકાના વધારાની આશંકા તેજ થઈ છે. અમેરિકામાં વ્યાજ દર વધવાનો ફાયદો ડોલરને મળી રહ્યો છે. મંદીના ડરથી વિદેશી રોકાણકારો ઉભરતા બજારોમાંથી પૈસા કાઢી રહ્યા છે અને સુરક્ષિત રોકાણ તરીકે ડોલરમાં રોકી રહ્યા છે. જેણે ડોલરને અપ્રત્યાશિત રીતે મજબૂત કર્યો છે. આ કારણે અનેક દાયકા બાદ પહેલીવાર ડોલર અને યુરોના ભાવ લગભગ સરખા થઈ ગયા છે. જ્યારે યુરો ડોલર કરતા મોંઘુ ચલણ જોવા મળતું હતું.