ભાજપને રૂપાલાનું નિવેદન ભારે પડશે? લાઠી સ્ટેટના રાજવી વંશજે બદનક્ષીનો દાવો કર્યો
રાજકોટ, 29 માર્ચ 2024, લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. છેલ્લા બે દિવસથી રાજપૂત સમાજ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી રાજપૂત અગ્રણીઓએ ઉચ્ચારી છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કરાયો છે. કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટનાં રાજવી પરિવારના વંશજે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. આદિત્યસિંહ ગોહિલે રાજકોટ જિલ્લા કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીનો દાવો કરતા મામલો વધુ ગંભીર થયો છે.
ક્ષત્રિયો સાથે સી.આર.પાટીલ કરશે બેઠક
રૂપાલાએ ક્ષત્રિય રાજાઓને લઇ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય રાજપૂત સમાજ ભારે રોષે ભરાયો છે. અંગ્રેજો સામે ક્ષત્રિયોએ રોટી-બેટીના વ્યવહાર કર્યાનું નિવેદન આપ્યા બાદ વિવાદ વકર્યો છે. ચૂંટણી સમયે ભાજપને રૂપાલાનું આ નિવેદન ભારે પડી રહ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ આ મુદ્દાને લઇ એક્ટિવ થયા છે. તેઓ રાજકોટ પહોચ્યા હતા અને વિવાદને લઇ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ગોંડલના ભાજપ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથે બેઠક કરી હતી.
શું બોલ્યા હતા પરશોત્તમ રૂપાલા
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. તેમણે નિવેદનમાં કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતા. એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાનો સમાજ છે.
રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગવી પડી હતી
રૂપાલાએ નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગવી પડી હતી. પરંતુ રાજપૂત સમાજમાં રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ રોષ હજુ પણ યથાવત છે. તેમજ રૂપાલાના બફાટ બાદ સૌરાષ્ટ્ર નહી પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે. મહેસાણા જિલ્લામાં કરણી સેના સહિત ક્ષત્રિય રાજપૂત સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યુ હતું. જ્યારે ઊંઝા પોલીસ મથકે રૂપાલા સામે ફરિયાદ નોધવા અરજી કરવામાં આવી છે. અમદાવાદના બોપલ પોલીસ મથકે ક્ષત્રિય મહિલા આગેવાનો દ્વારા રૂપાલા સામે ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે. રાજપૂત સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ હવે રૂપાલા ચારેબાજુથી ઘેરાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ડેરી ઉદ્યોગ-હોટેલ સંચાલકો પર ITના દરોડામાં રૂ.200 કરોડનું કૌભાંડ ઝડપાયુ