રૂપાલાની ફરી ક્ષત્રિય સમાજને વિનંતી: મારી ભૂલના કારણે PM મોદી સામે આક્રોશ ના થવો જોઈએ
રાજકોટ, 27 એપ્રિલ 2024,લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ આજે પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. બે વખત માફી માંગ્યા બાદ જાહેર મંચ ઉપરથી ગઈકાલે ફરી એક વખત પુરુષોત્તમ રૂપાલાએ વિનંતી સાથે જણાવ્યું હતું કે, મારી ભૂલના કારણે મોદી સાહેબ સામે રોષ ન થવો જોઈએ. મોદી સાહેબની વિકાસયાત્રામાં અનેક ક્ષત્રિયો જોડાયેલા છે. ક્ષત્રિય સમાજે રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. સમજણનો નવો સેતુબંધ બાંધવા આપણે સૌ પ્રયાસ કર્યો. રાજકારણ કે હારજીત માટે નહીં પરંતુ સમાજ જીવનનો આ પ્રશ્ન છે માટે આ પ્રશ્ન રાજકારણથી દૂર રાખી ક્ષત્રિય સમાજ કોશિશ કરશે તેવી વિનંતી છે.
સમાજની સામે જઇને પણ મેં માફી માગી છે
રાજકોટથી શરૂ થયેલો વિવાદ સમગ્ર રાજ્ય પહોંચી ગયો છે. ત્યારે ભાજપના ઉમેદવાર રૂપાલાએ બીજી વખત જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજને વિનંતી કરી છે. રૂપાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવતા પહેલાં જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી અને આજે જસદણ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ફરી એક વખત જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજને પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિનંતી કરવામાં આવી છે. આજે જસદણ ખાતે જાહેર મંચ ઉપરથી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, મારે રાજ્યના ક્ષત્રિય સમાજના આગેવાનોને આ સભાના માધ્યમથી વિનંતી કરવી છે કે, જે ભૂલ કરી હતી એની મેં જાહેરમાં માફી પણ માગી છે, કારણ કે મારો આવો કોઈ ઈરાદો ન હતો અને સમાજની સામે જઇને પણ મેં માફી માગી છે. સમાજે પણ એનો પ્રતિસાદ મને આપ્યો છે. મોદી સાહેબ સામે શા માટે?
મારા કારણે PM મોદી સામે રોષ શા માટે?
રૂપાલાએ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે, તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતર માટે તમારું કેવડું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસ માટે તમારું કેવડું મોટું યોગદાન છે. નરેન્દ્ર ભાઈ જેવા વડાપ્રધાન ભારત સિવાય કોઈ વાત વિચારતા નથી. 18-18 કલાક કામ કરે છે. 140 કરોડ દેશવાસીને પોતાનો પરિવાર માને છે. મારા કારણે એમની સામે રોષ શા માટે? મારી ભૂલ છે મેં સ્વીકારી છે. મારા કારણે મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને ઉભો કરવામાં આવે તે યોગ્ય નથી. નરેન્દ્રભાઈ આજે વિશ્વના નેતા છે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના આવ્યો છું. આપ સૌ મોદી સાહેબ સામેના આ આક્રોશને આપ સૌ પુનર્વિચાર કરો. સમાજના સૌ આગેવાનો અગ્રણીઓ સાથે મળી સમજણનો નવો સેતુબંધ બાંધવા પ્રયાસ કરીએ.
આ પણ વાંચોઃજામકંડોરણામાં અમિત શાહે કહ્યું, સુરતે ખાતુ ખોલી દીધું ત્રીજી વાર 26 બેઠક પર કમળ ખીલશે