25 મે અમદાવાદ: ટીમ ઇન્ડિયાના મહત્વના ખેલાડી હાર્દિક પંડ્યા માટે આ વર્ષ ખૂબ નિરાશાજનક રહ્યું છે. હવે આ નિરાશાજનક વર્ષમાં એક વધુ ખરાબ સમાચાર હાર્દિક પંડ્યા માટે સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચાર સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે કે હાર્દિક પંડ્યાના ડિવોર્સ થવા જઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સ આ બાબતે કેટલાક પૂરાવાઓ પણ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી હાર્દિક અને તેની પત્ની નતાશાએ પોતે એકસાથે હોય તેવા કોઈ ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યા નથી. બલકે નતાશાએ તો હાર્દિક સાથેના પોતાના ફોટા ડિલીટ કરી નાખ્યા છે.
હાર્દિક પંડ્યાની પત્ની એ સર્બિયાની એક્ટ્રેસ છે અને તેનું પૂરું નામ નતાશા સ્ટાનકોવિક છે. અગાઉ સોશિયલ મીડિયા પર તે પોતાનું નામ નતાશા સ્ટાનકોવિક પંડ્યા લખતી હતી પરંતુ હવે આ નામમાંથી પંડ્યા દૂર થઇ ગયું છે. અગાઉ જાણ્યા અનુસાર નતાશાએ હાર્દિક સાથેના તમામ ફોટોગ્રાફ્સ તો ડિલીટ કર્યા જ છે પરંતુ પોતાના પુત્ર અગત્સ્ય સાથેના ફોટા તેણે ડિલીટ નથી કર્યા.
હાર્દિક પંડ્યાએ 2020ના મે મહિનામાં તેના ફેન્સને ચોંકાવી નાખતા સમાચાર આપ્યા હતા કે તેના અને નતાશાના લગ્ન થઇ ગયા છે. તે સમયે કોવિડનો કાળ સમગ્ર વિશ્વ પર છવાયેલો હતો આથી એક સાદા લગ્ન સમારંભમાં પરિવાર વચ્ચે આ બંનેનાં લગ્ન થયા હતા.
પરંતુ ગયા વર્ષે હાર્દિક અને નતાશાએ IPL દરમ્યાન જયપુર ખાતે ધૂમધામ સાથે પોતાના ફરીથી લગ્ન કર્યા હતા જેમાં પુત્ર અગસ્ત્ય પણ હાજર હતો. અહીં એક અન્ય હકીકત પણ નોંધવી જોઈએ. ગત બે વર્ષ જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો ત્યારે ટીમની દરેક મેચ વખતે VIP સ્ટેન્ડમાં નતાશા જોવા મળતી.
નતાશા માત્ર હાજર જ ન રહેતી પરંતુ ગુજરાત ટાઈટન્સની જીત અને હાર અંગેની તેની લાગણીઓ પણ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ જતી હતી. આ વર્ષે જ્યારે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારે નતાશા એક પણ મેચમાં જોવા મળી નથી. જો સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાતો અફવા હોય તો નતાશાનું આ વર્ષે IPLની મેચોમાંથી ગેરહાજર રહેવું એ પ્રશ્નો જરૂર ઉભા કરે છે.
એક અન્ય સમાચાર પ્રમાણે હાર્દિક પંડ્યાના ડિવોર્સ થાય તો તે નતાશાને તેની કુલ પ્રોપર્ટીના 70% તેને આપી દેવા માટે તૈયાર પણ થઇ ગયો છે.