પંજાબ મેલ એક્સપ્રેસમાં આગની અફવાથી ભાગદોડ થઈ, 20 મુસાફરો ઘાયલ
- ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં રવિવારે સવારે એક મોટી ઘટના બની
- બરેલી અને કટરા સ્ટેશન વચ્ચે પંજાબ મેલ એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાને પગલે ભાગદોડ થઈ, જેના કારણે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જેમાં 20 મુસાફરો ઘાયલ થયા
શાહજહાંપુર, 11 ઓગસ્ટ: હાવડાથી અમૃતસર જઈ રહેલી 13006 પંજાબ મેલ એક્સપ્રેસના જનરલ કોચમાં આગ લાગવાની અફવાથી ભાગદોડ થઈ ગઈ હતી. ઉતાવળમાં ટ્રેનમાંથી નીચે કૂદી પડતા 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ સાત લોકોને શાહજહાંપુરની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે સવારે લગભગ 8:00 વાગ્યે બરેલી અને મીરાનપુર કટરા સ્ટેશન વચ્ચે ટ્રેનના જનરલ કોચમાં આગ લાગવાની અફવા પર ડ્રાઈવરે ટ્રેન રોકી હતી. ટ્રેનની અડધી બોગી નદીના પુલ પર હતી અને અડધી બહાર હતી. ટ્રેન ઉભી રહેતા જ મુસાફરો નીચે કૂદવા લાગ્યા હતા. અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
ટેસ્ટિંગ દરમિયાન બધુ બરાબર જોવા મળ્યું
આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘણી બોગીઓ ખાલી થઈ ગયા પછી, ડ્રાઈવર અને ગાર્ડે તપાસ કરી અને બધું સારું જણાયું. આ પછી ઘાયલોને લેડી અને ગાર્ડ બોગીમાં શાહજહાંપુર મોકલવામાં આવ્યા હતા. તેમને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શાહજહાંપુર સ્ટેશન પર ટ્રેન રોકાઈ
રવિવારે સવારે 10:10 વાગ્યે શાહજહાંપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. રેલવે અધિકારીઓ અને આરપીએફના જવાનો પહોંચી ગયા હતા. પાંચ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાત લોકોને સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ટ્રેન 30 મિનિટ સુધી રોકાઈ હતી. તપાસમાં બધુ ઠીક જણાયા બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી.
તોફાની તત્વોએ આ કૃત્ય કર્યું
મુરાદાબાદ રેલવે ડિવિઝનના વરિષ્ઠ ડીસીએમ આદિત્ય ગુપ્તાએ જણાવ્યું કે, બિલપુર નજીક સવારે કેટલાક તોફાની તત્વોએ ટ્રેન નંબર 13006ના જનરલ જીએસ કોચમાં રાખવામાં આવેલા અગ્નિશામક ઉપકરણને સક્રિય કરી દીધું, જેના કારણે ટ્રેનને રોકી દેવામાં આવી. જેના કારણે ગભરાયેલા મુસાફરોએ કૂદવાનું શરૂ કર્યું હતું. જ્યારે બે મુસાફરો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તોફાની તત્વોની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓ થયા બેશરમ, મર્યાદા નેવે મૂકી … જૂઓ વીડિયો