ટ્રેન્ડિંગધર્મ

સરસપુરમાં ચાર પેઢીથી ચાલે છે રૂડી માનું રસોડુઃ કોઈ જમ્યા વગર જતુ નથી

  • 100 વર્ષથી સરસપુરની 15થી વધુ પોળમાં ભક્તો અને સાધુ-સંતોને ભાવ સાથે જમાડાય છે
  • ભક્તોને જમાડવાની શરૂઆત  90 વર્ષ પહેલા રૂડી માના રસોડાથી થઈ હતી
  • સરસપુરની દરેક પોળમાં અલગ અલગ પ્રસાદ તૈયાર થાય છે

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઇ અમદાવાદીઓમાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. ભગવાનના રથ નિજ મંદિરથી નીકળીને આજે જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચ્યા ત્યારે સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે સરસપુરની અલગ અલગ પોળમાં જમાડવામાં આવ્યા હતા. 10-15 નહીં, પરંતુ 100 વર્ષથી સરસપુરની 15થી વધુ પોળમાં ભક્તો અને સાધુ-સંતોને ભાવ સાથે જમાડવામાં આવે છે. આ તમામ સવા લાખ ભાવિકોને આગ્રહ કરીને જમાડવામાં આવે છે. ચોથી પેઢીથી ભક્તોને જમાડવાની શરૂઆત જ રૂડી માના રસોડાથી થઈ છે, જેને આજે 90 વર્ષ જેટલો સમય થઈ ગયો છે.

 સરસપુરમાં ચાર પેઢીથી ચાલે છે રૂડી માનું રસોડુઃ કોઈ જમ્યા વગર પાછુ જતુ નથી Hum dekhenge news

મહિના પહેલા એકત્રિત કરાઇ હતી સામગ્રી

સરસપુરમાં આવેલી અલગ અલગ 15થી વધુ પોળમાં ભગવાનના રથનું સ્વાગત કરીને રથયાત્રામાં આવેલા ભક્તોને જમાડવામાં આવે છે. મોસાળમાં જમાડવા માટે રથયાત્રાના અઠવાડિયા પહેલાંથી તૈયારી કરી દેવામાં આવે છે. એક મહિના અગાઉથી રસોઈ માટેની સામગ્રી એકત્ર કરાય છે. ત્યાર બાદ ભગવાનના મોસાળની અલગ અલગ પોળમાં મહિલાઓ અને સ્વયંસેવકો દ્વારા અનાજ સાફ કરીને રસોઈની તૈયારી કરવામાં આવે છે.

ક્યારેય ખુટ્યુ નથી જમવાનું

રથયાત્રાના આગલા દિવસે જ પૂરી, ફૂલવડી, લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે આજે વહેલી સવારે દાળ-ભાત અને શાક તૈયાર કરવામાં આવ્યા છે. સરસપુરની દરેક પોળમાં અલગ અલગ પ્રસાદ તૈયાર થાય છે . તમામ લોકોને સ્વયંસેવકો દ્વારા સન્માન સાથે લઈ જઈને જમાડવામાં આવે છે. અત્યાર સુધીની રથયાત્રામાં ક્યારેય જમવાનું ખૂટ્યું નથી. આંબલીવાળીમાં પોળમાં દરેક લોકો માટે ખૂબ જ સારી વ્યવસ્થા હોય છે. આઠથી નવ હજાર જેટલા લોકોને જમાડવામાં આવે છે, જેમાં સાધુ-સંતો અને ભક્તોનો સમાવેશ થાય છે.

સરસપુરમાં ચાર પેઢીથી ચાલે છે રૂડી માનું રસોડુઃ કોઈ જમ્યા વગર પાછુ જતુ નથી Hum dekhenge news

ભક્તોને પ્રેમથી જમાડાય છે

ઘણાં વર્ષોથી અહીં રસોડું ધમધમી રહ્યું છે. અહીં ઘણી બધી પોળ આવેલી છે, જેમાં રસોડાનું કાર્ય ખૂબ જ સારી રીતે બધાંના સહકારથી ચાલી રહ્યું છે. લગભગ છેલ્લા એક મહિનાથી તૈયારીઓ થઈ રહી છે. અનાજ-પાણી બધું એકત્ર કરવું અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ કાર્યએ ગતિ પકડી છે. અહીં મોહનથાળ, ફૂલવડી અને પૂરી-શાક બનાવવામાં આવી રહ્યાં છે. રથયાત્રાના આગલા દિવસે પૂરી બનાવવાનું ચાલુ કરવામાં આવે છે અને રથયાત્રાના દિવસે સવારે શાક બનાવવામાં આવે છે. સ્વયંસેવકો ભક્તોને ખૂબ જ આદરપૂર્વક જમવા માટે બોલાવે છે, જેમાં નાત-જાતનો કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી.

આ પણ વાંચોઃ શું ભારતમાં ટેસ્લા કારનું સપનું થશે સાકાર ? PM મોદી એલોન મસ્ક સાથે કરશે મુલાકાત

Back to top button