2020થી અત્યાર સુધી 88 વાઘોના મોતના કેસો હજુ સુધી ઉકેલાયા નથી, જેમાંથી ઘણાના કારણો અજ્ઞાત

Wildlife Crime: ભારતમાં વન્યજીવોની દેખરેખ અંગે ગંભીર ચિંતા ઊભી કરતી એક ઘટનામાં, માહિતીના અધિકાર (RTI) હેઠળ મળેલા દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે 2020 અને 2021 વચ્ચે નોંધાયેલા 88 વાઘોના મોતના કેસો હજુ સુધી ઉકેલાયા નથી. હજુ સુધી આ મોતોના કોઈ સ્પષ્ટ કારણો સામે આવ્યા નથી, ન તો તેની સંપૂર્ણ તપાસ થઈ છે અને ન તો કોઈની જવાબદારી નક્કી કરવામાં આવી છે.
આ કેસો બાંધવગઢ, કાન્હા, પન્ના, કાઝીરંગા, તાડોબા, દુધવા અને કોર્બેટ જેવા મુખ્ય અભયારણ્યો સાથે જોડાયેલા છે, જેમાં સંરક્ષિત વિસ્તારોની અંદર થયેલા મોત પણ સામેલ છે. ઘણા કેસોમાં, જેને “હુમલા” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, તેમાં વાઘના અંગો મળી આવ્યા છે, જે સંભવિત શિકારના સંકેત આપે છે, પરંતુ તપાસ હજુ સુધી કાનૂની રીતે પૂર્ણ થઈ નથી.
રેકોર્ડ મુજબ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આસામ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્યોમાં થયેલી આ વાઘોની મોતને “યુએસ” (Under Scrutiny) એટલે કે તપાસ હેઠળ કે અકુદરતી તરીકે નોંધવામાં આવી છે. જોકે, ઘણા કેસોમાં મૃત્યુનું ચોક્કસ કારણ દર્શાવતું કોલમ હજુ પણ ખાલી જ છે.
દેશમાં સૌથી વધુ વાઘની વસ્તી ધરાવતા મધ્યપ્રદેશમાં નોંધપાત્ર સંખ્યામાં વાઘના કેસો પેન્ડિંગ છે, જેમાં બાંધવગઢ, કાન્હા અને પન્ના જેવા મુખ્ય નિવાસ વિસ્તારોમાં થયેલા મોત પણ સામેલ છે. મહારાષ્ટ્રમાં તાડોબા-અંધારી અને ચંદ્રપુર જેવા આસપાસના વિસ્તારોમાંથી, જેમાં અભ્યારણ્યની સીમા બહારના વિસ્તાર પણ આવે છે, આવા ઘણા કેસો સામે આવ્યા છે.
આસામના કાઝીરંગામાં 2020થી અત્યાર સુધી ઘણા વાઘોના મોતનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, જ્યારે અહીં તો ઊંચા સ્તરની સુરક્ષા પણ આપવામાં આવે છે. કર્ણાટકના નાગરહોળ અને ઉત્તર પ્રદેશના દુધવામાં પણ આવી જ સ્થિતિ છે. અહીં “હુમલા” તરીકે નોંધાયેલા કેટલાક કેસોમાં ગેરકાયદેસર શિકારના સંકેતો મળે છે, પરંતુ હજી સુધી કોઈ સ્પષ્ટ કાનૂની પરિણામ સામે આવ્યું નથી.
ઉત્તરાખંડમાં પણ અનેક કેસો હજુ પેન્ડિંગ છે, જેમાં કોર્બેટ ટાઈગર રિઝર્વ અને આસપાસના રામનગર તથા શ્યામપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. કેટલાક કેસોમાં 2020થી થયેલી વાઘોની મોત અંગેની અંતિમ ફોરેન્સિક રિપોર્ટ હજી સુધી આવી નથી.
નિષ્ણાતો કહે છે કે આમાંના ઘણા કેસોમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને હિસ્ટોપેથોલોજી સહિતના જરૂરી દસ્તાવેજોનો અભાવ છે, જેના કારણે ચિંતા વ્યક્ત થાય છે કે વિલંબને કારણે મહત્વપૂર્ણ પુરાવાઓ સાથે ચેડા થઈ શકે છે.
વન્યજીવ કાર્યકરોએ ચેતવણી આપી છે કે મોતનું ચોક્કસ કારણ જાણ્યા વિના ફોજદારી કેસ ચલાવવા કે જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બની જાય છે, જેના કારણે વન્યજીવ ગુનાઓ સજા વગર રહી જાય છે.
જાન્યુઆરી 2026ના એક નિર્દેશમાં રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA)એ રાજ્યોને 27 જાન્યુઆરી સુધીમાં બાકી રહેલી રિપોર્ટ્સ જમા કરવાની સૂચના આપી છે. આ સમયમર્યાદા સુધી રિપોર્ટ્સ ન આપતા કેસો બંધ કરી દેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કાર્યકરોએ આ પગલા પર ચિંતા વ્યક્ત કરી છે અને દલીલ કરી છે કે નિષ્કર્ષ કાઢ્યા વિના કેસ બંધ કરવાથી જવાબદારી નબળી પડી શકે છે. RTI કાર્યકર અજય દુબેએ કહ્યું, “આ કેસ બંધ કરવો નહીં, પરંતુ દફનાવી દેવાનો પ્રયાસ છે. તમે રાષ્ટ્રીય રેકોર્ડમાંથી ગેરકાયદેસર શિકાર અને નિષ્ફળતાના પુરાવા ભૂંસી રહ્યા છો.”











