અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વાલીઓ માટે કામની વાત: RTEના ફોર્મ ભરવાનું શરુ થયું, આ તારીખ સુધી અરજી કરી શકશો, જાણો તમામ વિગતો

અમદાવાદ, 01 માર્ચ 2025: ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યની ખાનગી શાળાઓમાં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) અંતર્ગત એડમિશન લેવા માટેની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. આરટીઈ અંતર્ગત એડમિશન માટેની પ્રક્રિયા 28 ફેબ્રુઆરી 2025થી શરુ થઈ ગઈ છે અને તે 12 માર્ચ 2025 સુધી ચાલું રહેશે. અમદાવાદમાં 1300 જેટલી શાળાઓમાં 14778 સીટો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. દર વર્ષે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા નવા સૈક્ષણિક સત્રની શરુઆત પહેલા આરટીઈ પ્રવેશ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં શહેરી વિસ્તારમાં રહેતા વાલીઓની વાર્ષિક આવક દોઢ લાખ હોય તો તેઓ ખાનગી શાળામાં નિયમો અનુસાર, બાળકોને પ્રવેશ અપાવી શકે છે.

અહીંથી ભરી શકશો ફોર્મ

આ યોજના હેઠળ રાજ્યના 40 શહેર અને જિલ્લાઓની ખાનગી શાળાઓમાં ધોરણ 1માં કુલ 93,527 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. વાલીઓ RTE ની સત્તાવાર વેબસાઈટ https://rte.orpgujarat.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.

આરટીઈમાં ફોર્મ ભરવાના ધારાધોરણો

આ યોજનાનો લાભ રાજ્યના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકો ધોરણ 8 સુધી મફત શિક્ષણ મેળવીને લઈ શકશે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. 1.50 લાખ નિયત કરવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં કુલ 13 કેટેગરીને અગ્રતા આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડની બેઠકોની ફાળવણીની યાદી 27 માર્ચ, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવવાના કેસો સામે આવતા, અમદાવાદમાં 197 અને સુરતમાં 108 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા.

આ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો

RTE હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છુક વાલીઓએ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોષી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. વાલીઓ http://rte.orpgujarat.com વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરતી વખતે, 1 જૂન, 2025 ના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકો જ ધોરણ 1 માં પ્રવેશ માટે યોગ્ય છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજો જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, આવકનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત), ઇન્કમટેક્ષ રીટર્ન (જો લાગુ હોય તો), અને આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન જેવા અસલ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે અને ક્યાંય જમા કરાવવાની જરૂર નથી.

આ પણ વાંચો: વિદેશ જવા માગતા લોકો માટે જાણવા જેવું, સરકારે બદલ્યા પાસપોર્ટના નિયમો, આ ડોક્યુમેન્ટ ખાસ હોવું જોઈએ

Back to top button