- અત્યારસુધીમાં 97.69 ટકા નોટ પરત આવી
- ગત 19 મે 2023માં બંધ કરી હતી રૂ.2000ની નોટ
- RBI ની 19 ઓફિસોમાં થઈ શકે જમા
નવી મુંબઈ, 1 એપ્રિલ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે કહ્યું કે 2,000 રૂપિયાની લગભગ 97.69 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. કેન્દ્રીય બેંકે માહિતી આપી હતી કે, બંધ કરાયેલી નોટોમાંથી રૂ.8,202 કરોડ હજુ પણ લોકો પાસે છે.
ગત 19 મે 2023માં બંધ કરી હતી રૂ.2000ની નોટ
ઉલ્લેખનીય છે કે, RBI એ 19 મે, 2023 ના રોજ ચલણમાંથી રૂ. 2,000 મૂલ્યની બેંક નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. એક નિવેદનમાં, આરબીઆઈએ જણાવ્યું હતું કે, 19 મે, 2023 ના રોજ જ્યારે 2000 રૂપિયાની બેંક નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારે ચલણમાં રૂ.2000ની બેંક નોટોનું કુલ મૂલ્ય રૂ.3.56 લાખ કરોડ હતું. તે 29 માર્ચ, 2024 ના રોજ બિઝનેસ બંધ થવા પર ઘટીને રૂ. 8,202 કરોડ પર આવી ગયો છે.
2000 બેંક નોટ હજુ પણ લીગલ ટેન્ડર
આ રીતે, 19 મે, 2023 સુધીમાં, ચલણમાં 2000 રૂપિયાની બેંક નોટોમાંથી 97.69 ટકા પાછી આવી ગઈ છે. 2,000 રૂપિયાની બેંક નોટ હજુ પણ લીગલ ટેન્ડર છે. લોકો દેશભરમાં RBIની 19 ઑફિસમાં રૂ. 2000ની બૅન્કની નોટો જમા કરી શકે છે અથવા બદલી શકે છે અને ભારતમાં તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવા માટે કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી કોઈપણ RBI ઑફિસમાં ઈન્ડિયા પોસ્ટ દ્વારા રૂ. 2000ની બૅન્ક નોટ મોકલી શકે છે.
બેંકમાં 7 ઓકટોબરથી સેવા બંધ કરાઈ
અગાઉ, આવી નોટો ધરાવનાર જાહેર અને ખાનગી સંસ્થાઓને શરૂઆતમાં 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં તેમને બદલી આપવા અથવા બેંક ખાતામાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર, 2023 કરવામાં આવી હતી. બેંક શાખાઓમાં જમા અને વિનિમય સેવાઓ 7 ઓક્ટોબર 2023 ના રોજ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ, 8 ઑક્ટોબર, 2023 થી, લોકોને RBIની 19 ઑફિસમાં કરન્સી એક્સચેન્જ કરવાનો અથવા તેમના બેંક ખાતામાં સમાન રકમ જમા કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
RBI ની 19 ઓફિસોમાં થઈ શકે જમા
બેંક નોટો જમા કરવા અથવા બદલવા માટે આરબીઆઈની 19 ઓફિસો અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે.