રાજ્યના ૩૨ જેટલા માર્ગો પર નવા મેજર-માઈનોર પૂલોના નિર્માણ માટે રૂ.૭૭૯ કરોડ મંજૂર
ગાંધીનગર, 7 જાન્યુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ ૩૨ માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે ૭૭૮.૭૪ કરોડ રૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ધોરીનસ સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર સૌને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ અપનાવ્યો છે. એટલું જ નહીં, માર્ગો પરના સાંકડા પૂલ સ્ટ્રકચર્સને પહોળા કરીને લોકોને ટ્રાફિકજામ થવાની સમસ્યાથી મુક્તિ આપવા સહિત જુના અને નબળા હયાત પૂલો, સ્ટ્રક્ચર્સના સ્થાને મેજર-માઈનર પૂલોના પુન: બાંધકામ-મરામત વગેરે કામો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા ૨૬૫ કામો માટે સમગ્રતયા ૧૩૦૭ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. માર્ગ મકાન વિભાગે મુખ્યમંત્રી સમક્ષ તાજેતરમાં રજૂ કરેલી ૩૨ માર્ગો પરના નવા મેજર- માઈનર પૂલોના બાંધકામ માટેની ૭૭૮.૭૪ કરોડની દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા બે વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણના વિવિધ ૨૯૭ કામો માટે કુલ ૨૦૮૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ પણ વાંચો :- CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો