કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
રાજકોટમાં ખેડુત સાથે જમીનના સોદામાં રૂ.3.30 કરોડની છેતરપિંડી
રાજકોટ શહેરના રૈયા રોડ પર યોગીનગરમાં રહેતા ખેડુત સાથે સણોસરાની જમીનના સોદામાં રૂા.3.30 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરીયાદ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. યુવકે રૂા.11 કરોડમાં શિવનગરના શખ્સને વેચેલી જમીન ઉપર અગાઉ પોતે લોન લીધી હોય તે ભરપાઇ કરવાની શરત રાખી હતી જે લોન પણ તે શખ્સે ભરપાઇ કરી ન હતી અને ઉપર જતા પેમેન્ટ માટે આપેલા ચેક પણ પરત આવતા આખરે પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
કુવાડવા રોડ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો
મળતી માહિતી મુજબ 150 ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી પાસે યોગીનગર-3માં અમૃતા હોસ્પિટલવાળી શેરીમાં રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા શૈલેષ ગાંડુભાઇ બોરીયા (ઉ.39) નામના યુવકે કુવાડવા રોડ પોલીસ મથકમાં પંચશીલ સ્કુલ પાસે શિવનગરમાં રહેતા અજય ભાઇચંદભાઇ ગઢીયા સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.
લોન ભરપાઈ સાથે રૂ.8.91 કરોડમાં જમીન ખરીદવાનું નક્કી કરાયું, 1 લાખ સુથી આપી
આ ફરીયાદમાં તેઓના જણાવ્યાનુસાર સણોસરા ગામ સર્વે નં.351/1 પૈકી 1 નંબરની બીન ખેડાણવાળી જમીનમાં તે મેસર્સ લાલન સ્ટાર એક્સપોર્ટ નામની પેઢીમાં ભાગીદાર થયા હતા જેના કુલમુખત્યાર દરજ્જે વહીવટકર્તા તરીકે તેઓની નિમણુંક કરવામાં આવી હતી આ જગ્યા વેચાણ કરવાની હોય જેથી તે અંગે એક દલાલ મારફત અજય ગઢીયાનો પરિચય થયો હતો. આ અજય ગઢીયાએ સણોસરા ગામે આવેલી જગ્યા જોઇ તેને ખરીદવાની વાત કરી હતી જેથી તેમની સાથે રૂા.11 કરોડમાં જગ્યા વેચવાની વાત કરી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ સોદા અંગે અજયભાઇને આ જમીન ઉપર પોતે રૂા.3.30 કરોડની લોન ચાલુ છે તેવું કહેતા અજયભાઇએ આ જગ્યા રૂા.8.91 કરોડમાં લોન ભરપાઇ કરવાની સાથે ખરીદ કરવાનું નક્કી કરી તેના સુથી પેટે રૂા.1 લાખ તા.2/11/2020ના રોજ આપેલા હતા.
લોન કરાવવા માટે તાત્કાલિક દસ્તાવેજ કરાવી આપવાનું કહ્યું
ત્યારબાદ તા.6-2-2021ના તેનો સાટાખત્ત સમજુતી કરાર કર્યો હતો તે વખતે રૂા.10 લાખનો ચેક આપ્યો હતો જે શૈલેષભાઇએ પોતાના ખાતામાં જમા કરાવ્યો હતો ત્યારબાદ બાકીની રકમ તેઓ બેંકમાં ભરી દેશે તેવું કહ્યું હતું. વધુમાં આ ફરીયાદમાં જણાવાયું હતું કે, સાટાખત્ત સમજુતી કરાર કરતી વખતે અજયભાઇએ પોતાને પણ લોન કરાવી હોય જેથી સણોસરા ગામની મિલ્કતનો તાત્કાલીક દસ્તાવેજ કરી આપવા જણાવતા તેઓએ ડ્રાફ્ટ દસ્તાવેજ સાથે રૂા.3.85 કરોડનો દસ્તાવેજ થશે તેવું ડ્રાફ્ટીંગ વચાવ્યું હતું જે દસ્તાવેજ વંચાણે લઇ તેઓને હા પાડી હતી જેથી તા.3-11-21ના રોજ તેઓને દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો.
સબરજીસ્ટ્રારમાં કચેરીમાં દસ્તાવેજની કોપી મેળવતા માત્ર રૂા.1.55 કરોડનો દસ્તાવેજ થયાનું માલુમ પડયું
આ દસ્તાવેજની નકલ માંગતા તેણે દસ્તાવેજ આવ્યો નહીં હોવાનું અને આવશે એટલે કોપી આપી દેશે તેવું કહ્યું હતું જે બાદ વારંવાર તેઓ આ અંગે બહાના કાઢતા હતા દરમ્યાન તા.9-12-21ના રોજ સબરજીસ્ટ્રારમાં કચેરીમાં પહોંચી શૈલેષભાઇએ દસ્તાવેજની કોપી મેળવતા તેમાં રૂા.3.85 કરોડની બદલે રૂા.1.55 કરોડનો દસ્તાવેજ થયાનું માલુમ પડયું હતું જેથી આ અંગે અજયભાઇને પુછતા તેણે સ્ટેમ્પ ડયુટી ઓછી ભરવી પડે તેથી દસ્તાવેજ નાનો કરાવ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ અજય ગઢીયા પાસેથી શૈલેભાઇએ બાકી રહેતા પૈસાની વારંવાર માંગણી કરી હતી પરંતુ તેણે પોતાની પાસે વધારે પૈસા નહીં હોવાનું કહ્યું હતું.
ખેડૂતને આપેલા બે ચેક જમા કરાવતા થયા હતા રીટર્ન
દરમ્યાન ગત તા.12-12-21ના રોજ અજયભાઇએ તેના નજીકના બાલા બોરીયાની ઓફીસમાં બોલાવી મીતાણા વાળી જગ્યા સંભાળી બાકીના પૈસા આપી દેવાનું નોટરી લખાણ કરાવવામાં આવ્યું હતું આ લખાણ બાદ અજય અને તેના દીકરા હેનીલે શૈલેષભાઇને રૂા.3.30 કરોડ આપવાના રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ આ રકમ તા.5-5-22 સુધીમાં આપી દેવાનું પણ નોટરી કરવામાં આવ્યું હતું દરમ્યાન તા.28-12-21ના રોજ રૂા.25 લાખ રોકડ આપવામાં આવી હતી અને રૂા.50 લાખ તેમજ રૂા.1.30 કરોડના બે ચેક આપવામાં આવ્યા હતા જે બેંકમાં જમા કરાવવામાં આવતા બંન્ને રીટર્ન થતા આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા શૈલેષભાઇએ કુવાડવા રોડ પોલીસ મથકનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.