RRR ફિલ્મ BAFTA 2023 માટે નોમિનેશન ચૂકી ગઈ, ફેન્સ થયા નિરાશ
જુનિયર NTR અને રામ ચરણ અભિનીત ‘RRR’ BAFTA 2023 માટે નોમિનેશન ચૂકી ગઈ છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા પછી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે બાફ્ટા માટે પણ નોમિનેશન મેળવવામાં સફળ થશે. જોકે, આવું થઈ શક્યું નહીં. આ પુરસ્કાર માટેના નોમિનેશનની જાહેરાત 19 જાન્યુઆરી, ગુરુવારે કરવામાં આવી હતી, જેમાં રાજામૌલી નિર્દેશિત ફિલ્મ આ યાદીમાં સ્થાન મેળવી શકી નથી.
ફિલ્મના ગીત ‘નાટુ-નાટુ’એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ફિલ્મના ગીત ‘નાટુ-નાટુ’એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો હતો અને સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું હતું. આ ગીતના અનેક દિગ્ગજોના ગીતોને પાછળ છોડીને આ એવોર્ડ હાંસલ કર્યો હતો. નાટુ નાટુનો ઈતિહાસ રચાયા બાદ સમગ્ર ભારતમાં ખુશીની લહેર જોવા મળી હતી. ફિલ્મી હસ્તીઓથી લઈને રાજકીય જગતના લોકોએ પણ RRRની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
બાફ્ટા 2023 19 ફેબ્રુઆરીએ યોજાશે
આ સમારોહનું આયોજન રિચાર્ડ ઇ. ગ્રાન્ટ અને એલિસન હેમન્ડ દ્વારા કરવામાં આવશે. રામ ચરણ અને જુનિયર એનટીઆર ઉપરાંત, આરઆરઆરમાં અજય દેવગન, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ, સમુતિરકાની, એલિસન ડુડી, રે સ્ટીવેન્સન પણ અભિનય કર્યો હતો. 1920ના દાયકામાં સેટ થયેલી આ ફિલ્મ બે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અલુરી સીતારામરાજુ અને કોમારામ ભીમ પર આધારિત કાલ્પનિક વાર્તા છે. રિલીઝ થયા બાદ આ ફિલ્મને દેશની સાથે-સાથે વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં 274 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. તેણે વિદેશમાં પણ ઘણી કમાણી કરી હતી. ફિલ્મના વિશ્વવ્યાપી કલેક્શનની વાત કરીએ તો તે 1200 કરોડથી વધુ કલેક્શન કરવામાં સફળ રહી છે.