IPL-2024નેશનલસ્પોર્ટસ

ચેલેન્જર્સ ડગુમગુ થયા પરંતુ ટાઈટન્સની આ વર્ષની સફર પૂરી કરાવીને જ જંપ્યા

બેંગલુરુ, 5 મે: ગુજરાત ટાઈટન્સની IPL 2024ની સફર લગભગ પૂર્ણ થઇ ગઈ છે. ગઈકાલે અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી બંને ટીમો માટેની એક મહત્વની મેચમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટાઈટન્સને ચાર વિકેટે હાર આપી હતી.

ટોસ જીતીને બેંગલુરુએ ગુજરાતને પહેલા બેટિંગ કરવાનું કહ્યું હતું અને ટાઈટન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. જો કે પીચ પણ બે પ્રકારના બાઉન્સ ધરાવતી હતી તેમ છતાં શરૂઆતમાં સંભાળીને રમવાને બદલે ગુજરાતના ટોચના બેટરોએ ઉતાવળ કરવામાં પોતાની વિકેટ્સ ગુમાવી દીધી હતી અને ટીમને દબાણમાં લાવી દીધી હતી.

પાવર પ્લેમાં જ ગુજરાતે પોતાના ત્રણ ટોચના બેટરો ગુમાવી દીધા હતા. ત્યારબાદ શાહરૂખ ખાન અને ડેવિડ મિલરે થોડા અંશે પોતાની ટીમને ફરીથી ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફરીથી 12મી ઓવરમાં મિલર આઉટ થઇ જતાં ટાઈટન્સને એક મોટો ઝાટકો લાગ્યો હતો.

છેવટે રાહુલ તેવટીયા અને રાશીદ ખાને ઉતાવળે બેટિંગ કરીને ટીમને માંડ માંડ 147 રનના સ્કોરે પહોંચાડી હતી જે આ સ્ટેડિયમનો ઈતિહાસ જોતાં લગભગ ત્રીસથી ચાલીસ રન્સ ઓછા હતા.

આ નબળા સ્કોરનો જવાબ આપતા બેંગલુરુના ઓપનર્સ વિરાટ કોહલી અને ફાફ દુ પ્લેસીએ જબરદસ્ત શરૂઆત કરી હતી અને ગુજરાતનાં બોલરોને મેદાનની ચારે તરફ ફટકાર્યા હતા. બેંગલુરુએ પાવર પ્લેમાં જ 92 રન કરીને ટાઈટન્સની બોલિંગની કમર તોડી નાખી હતી.

રોયલ ચેલેન્જર્સ આમ તો મોટેભાગે આ ટુર્નામેન્ટના પ્લે ઓફ્સની રેસમાંથી બહાર જ છે તેમ છતાં તેઓ કોઇપણ ચાન્સ લેવા નહોતાં માંગતાં એટલે નેટ રનરેટને સુધારવો તેમના માટે અત્યંત જરૂરી હતો. આથી ઉતાવળે ટાર્ગેટ એચીવ કરવાના ચક્કરમાં તેમના એક બેટરો વિકેટ ફેંકી દેવા લાગ્યા અને એક સમયે ગુજરાત ફરીથી ગેમમાં પરત આવી રહ્યું હોય એવું લાગવા માંડ્યું હતું.

ગુજરાત તરફથી જોશ લિટલે ચાર વિકેટ લીધી હતી અને નૂર અહમદે વિરાટ કોહલીની મહત્વની વિકેટ સહિત બે વિકેટ લીધી હતી. છેવટે આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિઘ્નહર્તા બનેલા દિનેશ કાર્તિકે જ સંભાળીને બેટિંગ કરી અને ટીમને જીતાડી દીધી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાનો ટાર્ગેટ ફક્ત 13.4 ઓવર્સમાં જ એચીવ કરી લેતાં તેમનો નેટ રનરેટ ઘણો સુધરી ગયો છે. પરંતુ તેમણે હવે આવનારી મેચો પણ જીતવી પડશે અને ટેબલમાં પોતાનાથી ઉપર રહેલી ટીમો તેમનાથી વધુ મેચો ન જીતી જાય તેની પ્રાર્થના પણ કરવી પડશે.

બીજી તરફ ગુજરાત ટાઈટન્સ માટે આ સિઝન લગભગ પૂરી જ  થઇ ગઈ છે. આ સિઝનમાં ટાઈટન્સે આ મેચ સહિત ઓછામાં ઓછી ત્રણ મેચો રનોના મોટા માર્જીનથી હારી છે આથી તેનો નેટ રનરેટ બાકીની તમામ ટીમોની સરખામણીએ અત્યંત નબળો છે જેને બાકી રહેલી મેચોમાં સુધારવો અશક્ય છે.

ગુજરાત ટાઈટન્સ પોતાની પ્રથમ બે સિઝનમાંથી પહેલી સિઝન જીત્યા હતા જ્યારે બીજી સિઝનમાં તેઓ ફાઈનલમાં છેક છેલ્લા બોલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર્યા હતા.

Back to top button