
અમદાવાદ, 7 ડિસેમ્બર 2023, ગુજરાતમાં કાયદાની દ્રષ્ટિએ દારૂબંધી છે એટલે લોકો દારૂ લિકર પરમીટ મેળવવા પ્રયાસ કરે છે જેને પરિણામે નશાબંધી વિભાગમાં ભારે ભ્રષ્ટાચાર થાય છે. નશાબંધી વિભાગના નિયામક એલ.એમ.ડિંડોરની નિયુક્તિ બાદ લિકર પરમિટ અરજીઓને લઈ અરજદારોના કચેરી સુધી વારંવાર ધક્કા વધી ગયાં છે. લિકર કંપનીઓ પણ નિયામક એલ.એમ.ડિંડોરને કારણે હેરાન થઈ રહી છે. આ અંગેની છેક ગૃહ વિભાગ સુધી અરજીઓ કરવામાં આવી છે પરંતુ ગૃહ વિભાગ દ્વારા પણ કોઈ એક્શન લેવામાં આવતાં નથી. રાજ્યમાં લિકર પોલીસીનો પણ યોગ્ય રીતે અમલ થતો નથી. જેથી નશાબંધી વિભાગના પ્રમોટિવ નિયામક સામે પરમીટ ધારકોમાં રોષ વધી રહ્યો છે. જો આ અંગે તપાસ થાય તો એલ આર ડિંડોરનો મોટો ભ્રષ્ટાચાર પણ બહાર આવી શકે છે.
યોગ્ય તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે
ગુજરાતમાં નશાબંધી વિભાગના નિયામક તરીકે IAS એલ આર ડિંડોરની નિમણૂંક કરવામાં આવી છે ત્યારથી લઈને લિકર પરમીટ માટે અરજી કરનારા અરજદારોની હેરાનગતિ વધી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નશાબંધી વિભાગની કચેરીમાં એજન્ટોને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દારૂની નવી પરમિટ મેળવવા ઈચ્છાતા અને પરમિટ રીન્યુ કરવા ઈચ્છતા અરજદારોની ખરાઈ કરવા રૂબરૂમાં બોલાવીને વારંવાર કચેરીના ધક્કા ખવડાવવામાં આવે છે. તેમને મળેલા સરકારી ફોન પર કોઈ ફોન કરે તો રિસિવ પણ કરતાં નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે IAS એલ.એમ.ડિંડોર સામે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેઓ લિકર પરમીટ માટેના અરજદારોને વારંવાર બોલાવીને પરમીટ આપવા સામે રૂપિયા માંગે છે. ડિંડોર સામે ગૃહ વિભાગમાં અનેક વખત અરજીઓ કરવામાં આવી છે પણ તેમની સામે ગૃહ વિભાગ દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યાં નથી. આ ઉપરાંત સીએમઓ સુધી પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો ડિંડોર સામે યોગ્ય તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે.
એલ આર ડિંડોર સામેની ફરિયાદો ગૃહ વિભાગ સુધી પહોંચી
નશાબંધી નિયામક IAS એલ.એમ.ડિંડોરની નિયુક્તિ બાદ લિકર પરમિટ અરજીઓને પેન્ડિંગ રાખવા અંગેની અનેક ફરિયાદો થઈ છે. આ ફરિયાદો ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS મુકેશ પુરી સુધી પહોંચતા તેમણે નિયામક ડિંડોરને બરાબરના ખખડાવી નાંખ્યા હતાં. એવી ચર્ચાઓ સચિવાલયમાં સતત થવા માંડી છે. બીજી તરફ દિલ્હીની એક કંપનીએ પણ નશાબંધી વિભાગ દ્વારા તેની પ્રોડક્ટનું સેલ અટકાવી દીધું હોવાની અરજી પણ ગૃહવિભાગને કરી છે તે છતાંય ડિંડોર સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. નશાબંધી વિભાગમાં ડિંડોર પોતાની મનમાની કરીને નિર્ણયો લેતાં લિકર પરમીટ માટેના અરજદારો અને પરમીટ રિન્યૂ કરાવનાર અરજદારોને નાછૂટકે પૈસા આપીને કામ કઢાવવું પડે એવી સ્થિતિ સરજાઈ છે. ત્યારે સરકારનો ગૃહવિભાગ ડિંડોર સામે કેમ પગલાં નથી લેતો એવી ચર્ચાઓ પણ સચિવાલયમાં થવા માંડી છે.
દિલ્હીની એક કંપનીએ પણ ગૃહ વિભાગને અરજી કરી છે
તાજેતરમાં દિલ્હીની રાડ એલેન ડિસ્ટ્રીબ્યુટર્સ નામની કંપનીએ ગુજરાતના ગૃહ વિભાગને એક અરજી કરી છે. આ અરજીમાં તેણે જણાવ્યું છે કે, અમે રાજ્યના નશાબંધી વિભાગ દ્વારા આપવામાં આવેલી કારણ દર્શક નોટીસનો જવાબ આપી ચૂક્યા છીએ તેમજ એક લાખ રૂપિયાનો દંડ પણ ભર્યો છે. ત્યાર બાદ વિભાગ દ્વારા મળેલી સૂચનાઓને કારણે રાજ્યની લિકર શોપ દ્વારા અમારી પ્રોડક્ટ ખરીદવામાં પણ આવતી નથી. જેથી અમને મોટુ નુકસાન પહોંચી રહ્યું છે. એક લાખનો દંડ ભર્યા બાદ પણ વિભાગ દ્વારા અમને નવા વિક્રેતા તરીકે નવા ડોક્યુમેન્ટ સબમીટ કરવા જણાવ્યું છે. આ યોગ્ય નથી કારણ કે અમારી કંપની પહેલેથી જ વિભાગમાં શરાબના વિક્રેતા તરીકે નોંધાયેલી છે. કંપનીની આ ફરિયાદ બાદ હવે નિયામક ડિંડોર સામે શું એક્શન લેવાય છે તે આગામી સમય બતાવશે.
આ પણ વાંચોઃ ગુજરાત આ જિલ્લાઓના ખેડૂતો આનંદો, સરકાર આપશે મોટી સહાય