T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

રોહિતે દ્રવિડને મનાવવાની કોશિશ કરી હતી પણ…

Text To Speech

5 જૂન, ન્યૂયોર્ક: ટીમ ઇન્ડિયાના હાલના કોચ રાહુલ દ્રવિડ એ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ પોતાનો કોન્ટ્રેક્ટ રિન્યુ કરાવવા માંગતા નથી. આથી નવા કોચ માટેની શોધખોળ ચાલુ થઇ ગઈ છે. પરંતુ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ બાબતે નવી વાત કરી છે. રોહિતે દ્રવિડને મનાવવાની કોશિશ કરી હતી કે તે ટીમ ઇન્ડિયાના કોચ બનેલા રહે પરંતુ દ્રવિડે આ વિનંતીનો અસ્વિકાર કર્યો હતો.

હાલમાં ટીમ ઇન્ડિયા ICC T20 World Cup રમવા માટે ન્યૂયોર્કમાં છે. અહીં આપેલા એક ઇન્ટરવ્યુમાં એ વાત સામે આવી હતી કે રોહિતે દ્રવિડને મનાવવાની કોશિશ કરી હતી પરંતુ બાદમાં તેને ખ્યાલ આવ્યો કે દ્રવિડ માટે અન્ય બાબતો પર ધ્યાન આપવું પણ જરૂરી છે આથી તેણે પોતાની વિનંતીનો અસ્વિકાર કર્યો છે.

રોહિતે કહ્યું હતું કે, ‘વ્યક્તિગત રીતે મેં તેમની સાથે (દ્રવિડ સાથે) જેટલો પણ સમય ગાળ્યો છે મને ખૂબ મજા આવી છે અને મને આશા છે કે ટીમના બાકી સભ્યોને પણ મજા આવી હશે. આનાથી વધુ હું કશું જ નહીં કહી શકું.’ છેલ્લું વાક્ય બોલતા રોહિત શર્મા ગળગળો થઇ ગયો હતો.

રોહિતે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, ‘મારા અને તેમના સંબંધો બહુ જૂના છે. જ્યારે આયરલેન્ડ સામે મેં ડેબ્યુ કર્યું હતું ત્યારે એ મારા કેપ્ટન હતા. જ્યારે હું ક્રિકેટ રમતો ત્યારે એ મારા રોલમોડલ હતા. તેમણે વર્ષો સુધી દેશ માટે ક્રિકેટ રમીને ઘણુંબધું સિદ્ધ કર્યું છે. ભારતને ઘણીબધી તકલીફોમાંથી પોતાની બેટિંગ દ્વારા બહાર કાઢ્યું છે. આથી જ તેઓ દેશનાં સહુથી લોકપ્રિય ખેલાડીઓમાંથી એક છે.

રોહિત શર્માએ નોંધ્યું હતું કે જે રીતે રાહુલ દ્રવિડ બેટિંગ વખતે મજબૂત મને રમતા હતા એવું જ મજબૂત મન તેમણે કોચિંગ કરતી વખતે પણ બતાવ્યું છે.

જ્યારે રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે શું વિદાય પહેલાં ટીમ ઇન્ડિયા રાહુલ દ્રવિડને વર્લ્ડ કપ જીતી આપવા માંગશે, તો રોહિતે કહ્યું હતું કે આ બાબતે હું કશું કહી શકું તેમ નથી.

રાહુલ દ્રવિડને BCCIએ ઓફર આપી હતી કે તે ફરીથી કોચ બનવા માટે અરજી કરી શકે છે પરંતુ દ્રવિડે આ બાબતનો ઇનકાર કર્યો હતો. હાલમાં ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના કોચ બનવાની રેસમાં સહુથી આગળ ચાલી રહ્યા છે.

Back to top button