IPL-2024ટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

મુંબઈના કોચ બાઉચરના અણિયાળા પ્રશ્નનો રોહિતનો સણસણતો જવાબ

18 મે, મુંબઈ: આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સની તકલીફ પહેલેથી જ એવી શરુ થઇ ગઈ હતી કે તે છેક છેલ્લા સ્થાને આવી ગયું છે. હાર્દિક પંડ્યાને રોહિત શર્માને સ્થાને કેપ્ટન બનાવવામાં તો આવ્યો પરંતુ ન તો હાર્દિક સફળ થયો કે ન તો રોહિત શર્મા સરખી રીતે બેટિંગ કરી શક્યો.  પરંતુ ગઈકાલની મેચ બાદ જ્યારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમાં મુંબઈના કોચ માર્ક બાઉચરના એક પ્રશ્નનો જવાબ રોહિતે કેવી રીતે આપ્યો તેની ચર્ચા અત્યારે મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.

પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે બાઉચરને પૂછવામાં આવ્યું કે હવે રોહિત શર્માનું ભવિષ્ય શું હશે તેના જવાબમાં બાઉચરે પહેલાં તો કહ્યું હતું કે તે પોતાની મનમરજીનો માલિક છે. ત્યારબાદ તેણે કહ્યું હતું કે આ વર્ષે મેગા ઓક્શન થશે અને આવતી સિઝનમાં કયો ખેલાડી કઈ ટીમમાં જશે તેની આગાહી કોઇપણ કરી શકે તેમ નથી.

આમ કહીને માર્ક બાઉચરે એવો સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આવતે વર્ષે રોહિત શર્મા મોટેભાગે મુંબઈ ઇન્ડિયન્સમાંથી નહીં રમે. પરંતુ ત્યારબાદ મુંબઈના કોચે એક બીજા પ્રશ્ન વિશે પણ કહ્યું હતું. બાઉચરના કહેવા અનુસાર ગઈકાલની લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ બાદ જ્યારે તેણે રોહિત શર્માને પ્રશ્ન કર્યો કે, ‘હવે? હવે શું?’ તો રોહિતે ઠંડા કલેજે જવાબ આપ્યો હતો, ‘વર્લ્ડ કપ’!

આ રીતે મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્માને પોતાને રહેવું છે કે નહીં તે અંગે રોહિત શર્મા કશો ફોડ પાડવા માંગતો નથી એવું લાગી રહ્યું છે. થોડા દિવસ અગાઉ કોલકાતામાં રોહિત શર્મા અને KKRના બેટિંગ કોચ વચ્ચે થયેલી વાતો વાયરલ થઇ ગઈ હતી જેમાં રોહિત એમ કહેતો સાંભળવા મળ્યો હતો કે આ તેની આખરી સિઝન છે.

હવે આ આખરી સિઝન તે મુંબઈ ઇન્ડિયન્સ માટે કહી રહ્યો હતો કે પછી IPL માટે તેની સ્પષ્ટતા થઇ નથી. જે હોય તે પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ મેનેજમેન્ટ દ્વારા પોતાના પાંચ વખતના ચેમ્પિયન કેપ્ટનને જે રીતે સન્માનજનક વિદાય આપવાની અપેક્ષા હતી તેના પર તે ખરું નથી ઉતર્યું તે તો સાબિત થઇ ગયું છે.

હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યા અગાઉ રોહિત શર્માને વિશ્વાસમાં લેવો જોઈતો હતો, અથવાતો તેને સમજાવી દેવામાં આવ્યું હોત કે ટીમ હવે ભવિષ્ય તરફ નજર માંડે છે અને હાર્દિકના કેપ્ટન બનવાની જાહેરાત ખુદ રોહિત પાસે કરાવવામાં આવી હોત તો તે ટીમ માટે ઘણું સારું રહ્યું હોત અને ટીમનો દેખાવ પણ સારો રહ્યો હોત.

Back to top button