ટેનીસ સ્ટાર રોહન બોપન્ના અને સુમિત નાગલ પેરીસ ઓલિમ્પિક્સ 2024 માટે ક્વોલીફાય
11 જૂન, નવી દિલ્હી: ભારતના ટેનીસ સ્ટાર રોહન બોપન્ના અને સુમિત નાગલ આવનારી પેરીસ ઓલિમ્પિક્સ 2024માં ભારતનું ટેનીસમાં પ્રતિનિધિત્વ કરવા માટે ક્વોલીફાય થઈ ગયા છે. આ બંનેએ પોતાનું ક્વોલિફિકેશન એસોશિયેશન ઓફ ટેનીસ પ્રોફેશનલ્સ (ATP) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા રેન્કિંગને કારણે મેળવ્યું છે.
રોહન બોપન્ના અને સુમિત નાગલ અનુક્રમે ડબલ્સ અને સિંગલ્સમાં ભારત વતી રમશે. આ ક્વોલિફિકેશન માટેની વિન્ડો ગઈકાલે સાંજે બંધ થવાની હતી અને રોહન બોપન્નાએ પોતાના રેન્કિંગને કારણે આસાનીથી ક્વોલિફિકેશન મેળવી લીધું હતું. બોપન્ના હાલમાં ડબલ્સમાં ATPના Top 10 ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. બોપન્ના આ જૂથમાં ગત વર્ષે નવેમ્બરથી જ પોતાનું સ્થાન જમાવી ચૂક્યો છે.
જ્યારે નાગલે ગયા અઠવાડિયે જ ATPના સિંગલ્સના રેન્કિંગમાં 18 સ્થાનનો કૂદકો લગાવ્યો હતો. તેણે જર્મનીમાં રમાયેલા હેઈલબ્રોન નેકરકપ ટુર્નામેન્ટમાં રમાયેલી ATP ચેલેન્જર્સ સ્પર્ધા જીતી લીધી હતી. તેને કારણે તે ATP રેન્કિંગમાં 95માં સ્થાનેથી 77માં સ્થાને આવી ગયો હતો. આ નાગલની કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પણ છે.
પેરીસ ઓલિમ્પિક્સ 2024માં રમાનારી પુરુષો અને મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં 64-64 ખેલાડીઓ રમશે. ટોચના 56 ખેલાડીઓ જે મેન્સ સિંગલ્સમાં રમશે તે 10મી જૂને જાહેર થયેલા ATP રેન્કિંગ પ્રમાણે હશે. દરેક દેશને વધુમાં વધુ 4 ક્વોટા આપવામાં આવ્યા છે.
ફ્રાંસ પાસે એક ક્વોટા રિઝર્વ છે કારણકે તે યજમાન દેશ છે. પરંતુ ફ્રાન્સે રેન્કિંગ દ્વારા જ તેના ચાર ખેલાડીઓને ક્વોલીફાય કરાવી દીધા હોવાથી કટ ઓફ 56માંથી 57 કરી દેવામાં આવ્યું હતું. નાગલે આ ક્વોટામાંથી પોતાના નવા રેન્કિંગને કારણે સહુથી છેલ્લું સ્થાન મેળવ્યું છે.
સુમિત નાગલ ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં પણ રમ્યો હતો. આ વર્ષે તેનું ATP રેન્કિંગ 138મું હતું. ત્યારબાદ ચેન્નાઈ ઓપન જીતીને તે ટોપ 100 ખેલાડીઓની યાદીમાં પ્રવેશ પામ્યો હતો.
જ્યાં સુધી ઓલિમ્પિક્સના ક્વોટા વિશેની વાત છે તો ભારતનું ખેલ સંઘ એટલેકે નેશનલ ઓલિમ્પિક કમિટી પાસે દરેકના ક્વોટા હોય છે. જ્યાં સુધી પેરીસ ઓલિમ્પિક્સનો પ્રશ્ન છે તો દરેક દેશનાં ઓલિમ્પિક સંઘ પાસે તમામ ક્વોટા અને દરેક ખેલાડીઓ વિશેની માહિતી આપવાની છેલ્લી તારીખ 19મી જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ મહિતી આપવાની સાથે સંઘે તેનું ક્વોલિફિકેશન કેવી રીતે થયું છે અને તે કયા દેશનાં ઝંડા હેઠળ રમશે એની માહિતી પણ આપવાની હોય છે.