ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

ઉડાન ભર્યાના માત્ર 5 સેકન્ડમાં રોકેટમાં થયો વિસ્ફોટ, LIVE ઘટના કેમેરામાં કેદ

Text To Speech

ટોક્યો (જાપાન), 13 માર્ચ: જાપાનમાં પ્રથમ વખત ખાનગી ક્ષેત્રની કંપનીએ રોકેટ બનાવ્યું. પરંતુ જાપાનની પ્રથમ ખાનગી કંપનીનું રોકેટ લૉન્ચ થયાના થોડા સમય બાદ જ વિસ્ફોટથી તૂટી પડ્યું હતું. માહિતી અનુસાર, ઑનલાઈન વીડિયોમાં જોવા મળે છે કે ‘કાઈરોસ’ નામનું રોકેટ મધ્ય જાપાનના વાકાયામા પ્રીફેક્ચરના ઓફશોર વિસ્તારમાંથી લૉન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ તે ટેકઓફ કર્યાની થોડી જ સેકન્ડોમાં વિસ્ફોટ થઈ જાય છે. રોકેટમાં ધડાકો થતાં આ વિસ્તારમાં આગના ગોટેગોટા છેક આકાશમાં ઉપર સુધી ફેલાયા હતા.

વિસ્ફોટ થયાની ઘટના કેમેરામાં કેદ થઈ

મળતી માહિતી મુજબ, જાપાનની સ્પેસ વન કંપની દ્વારા સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકવાનો આ પહેલો પ્રયાસ હતો. જો કે, સ્પેસ વન કંપનીનો આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. જો તે સફળ થયું હોત, તો ‘સ્પેસ વન’ અવકાશ ભ્રમણકક્ષામાં રોકેટ મોકલનાર પ્રથમ ખાનગી કંપની બની હોત.કાઈરોસ રોકેટે ભારતીય સમય અનુસાર સવારે 7.30 કલાકે પશ્ચિમ જાપાનના વાકાયામા પ્રાંતમાં પ્રક્ષેપણ સ્થળ પર ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડમાં વિસ્ફોટ થયાની ઘટના કેમેરામાં કેદ થઈ છે.

ગયા વર્ષે પણ એક રોકેટમાં વિસ્ફોટ થયો હતો

સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે રોકેટ વિસ્ફોટ થયા બાદ આકાશમાં ધુમાડો અને આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. હાલ આ દુર્ઘટના અંગે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, જાપાનમાં આ પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ ખાનગી કંપનીએ રોકેટ બનાવીને તેને અવકાશ ભ્રમણકક્ષામાં છોડ્યું હતું, પરંતુ લૉન્ચિંગના થોડા જ સમયમાં તે વિસ્ફોટ થયો હતો. ગયા વર્ષે જુલાઈમાં અન્ય એક જાપાની રોકેટ એન્જિનમાં લગભગ 50 સેકન્ડની આગ બાદ વિસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો: રાજસ્થાનના જેસલમેરમાં સેનાનું વિમાન ક્રેશ, પાયલટનો આબાદ બચાવ

Back to top button