ધરપકડ વોરંટ જારી થયા બાદ રોબિન ઉથપ્પાની પહેલી પ્રતિક્રિયા, છેતરપિંડી મામલે કરી સ્પષ્ટતા
- કંપનીએ કર્મચારીઓના ખાતામાંથી પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFના પૈસા કાપી લીધા, પરંતુ જમા કરાવ્યા નહીં
HD ન્યૂઝ ડેસ્ક, 22 ડિસેમ્બર: ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે PF ફ્રોડ કેસમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, રોબિન ઉથપ્પા સેંટોરસ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં શેરહોલ્ડર છે. આ કંપનીએ કર્મચારીઓના ખાતામાંથી પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFના પૈસા કાપી લીધા, પરંતુ જમા કરાવ્યા નહીં. જેના કારણે અંદાજે 23 લાખ રૂપિયાની છેતરપિંડી બહાર આવી છે. આ કારણોસર 4 ડિસેમ્બરે ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેને પૂરા પૈસા જમા કરાવવા માટે 27 ડિસેમ્બર સુધીનો સમય પણ આપવામાં આવ્યો હતો. પરંતુ જો તે આમ કરવામાં અસમર્થ થશે તો તેની ધરપકડ થઈ શકે છે. હવે આ પહેલા રોબિન ઉથપ્પા તરફથી એક નિવેદન બહાર આવ્યું છે અને તેણે આમાં કોઈ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે.
— Robbie Uthappa (@robbieuthappa) December 21, 2024
ઉથપ્પાએ કંપનીઓને પૈસા ઉછીના આપ્યા હતા
રોબિન ઉથપ્પાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે, મારા વિરુદ્ધ PF મામલે હાલના અહેવાલો બહાર આવ્યા બાદ, હું સ્ટ્રોબેરી લેન્સેરિયા પ્રાઇવેટ લિમિટેડ, સેંટારસ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બેરીજ ફેશન હાઉસ સાથે મારી ભાગીદારી વિશે કહેવા માંગુ છું. મને 2018-19માં આ કંપનીઓમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, કારણ કે મેં આ કંપનીઓને લોન તરીકે પૈસા આપ્યા હતા. પ્રોફેશનલ ક્રિકેટર, ટીવી પ્રેઝેન્ટર અને કોમેન્ટેટર તરીકેના મારા કામને જોતાં મારી પાસે આમાં ભાગ લેવા માટે સમય નહોતો. આજ સુધી જે અન્ય કંપનીઓને મેં લોન આપી છે. તેમાં પણ કાર્યકારી ભૂમિકા ભજવતો નથી.
રોબિન ઉથપ્પાએ આગળ લખ્યું કે, ઉપરથી આ કંપનીઓ મારા દ્વારા આપવામાં આવેલી લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે મારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવી પડી હતી. ઘણા વર્ષો પહેલા મેં પણ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે PF અધિકારીઓએ બાકી ચૂકવણીની માંગ કરી, ત્યારે મારી કાનૂની ટીમે જવાબ આપ્યો અને કહ્યું કે, તેમાં મારી કોઈ ભૂમિકા નથી. આ પછી કાર્યવાહી ચાલુ છે. મારા કાનૂની સલાહકારો આગામી દિવસોમાં આ બાબતોના ઉકેલ માટે પગલાં લેશે. હું મીડિયાને પણ વિનંતી કરું છું કે, કૃપા કરીને સંપૂર્ણ તથ્યો રજૂ કરો.
ભારત માટે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો
ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો હતો. રોબિન ઉથપ્પા ટી20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. હાલમાં તે કોમેન્ટ્રીમાં વ્યસ્ત છે અને તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 46 ODI મેચોમાં 934 રન અને 13 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 249 રન બનાવ્યા છે.
આ પણ જૂઓ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ, જાણો ઐતિહાસિક મેલબોર્ન મેદાનમાં ભારતનો રેકોર્ડ