રોબર્ટ વાડ્રાને અમેઠીથી ટિકિટ ન મળતા સોશિયલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ
- અમેઠીથી ટિકિટ ન મળવા પર રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખી છે. તેમણે કહ્યું કે શુભકામનાઓ આપવા બદલ દરેકનો આભાર
દિલ્હી, 5 મે: ચૂંટણી પહેલા એવી ચર્ચા હતી કે આ વખતે રોબર્ટ વાડ્રા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં પણ નોંધપાત્ર વિલંબ કર્યો હતો. રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પર અને કોંગ્રેસના નજીકના કિશોરી લાલ શર્માને અમેઠી સીટ પર ટિકિટ આપવામાં આવી છે. આ દરમિયાન રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. કોંગ્રેસે અમેઠી બેઠક પર જે નિર્ણય લીધો છે તે રાજકીય પંડિતો માટે પણ ચોંકાવનારો હતો.
અમેઠી બેઠક પરથી ટિકિટ ન મળતા રોબર્ટ વાડ્રાએ કરી ફેસબુક પોસ્ટ
રોબર્ટ વાડ્રાએ ઘણી વખત અમેઠીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હવે અમેઠી બેઠક પર કિશોર લાલ શર્માને ટિકિટ મળ્યા પછી રોબર્ટ વાડ્રાએ ફેસબુક પોસ્ટ કરી પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ફેસબુક પર એક પોસ્ટમાં રોબર્ટ વાડ્રાએ લખ્યું કે, ‘અમારા પરિવાર વચ્ચે કોઈ રાજકીય સત્તા કે પદ આવી શકે નહીં. આપણે બધા આપણા મહાન રાષ્ટ્રના લોકો અને લોકોના ભલા માટે હંમેશા કામ કરીશું અને કરતા રહીશું. તમારા સમર્થન અને શુભેચ્છાઓ બદલ દરેકનો આભાર. હું હંમેશા મારી જનસેવાના માધ્યમથી શક્ય તેટલા લોકોની મદદ કરીશ.
વાડ્રા પરિવારને સાઈડમાં રાખવામાં આવ્યો: ભાજપ
રોબર્ટ વાડ્રાએ સક્રિય રાજકારણમાં આવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. એવી અટકળો હતી કે તેમને અમેઠીથી પણ ટિકિટ આપવામાં આવી શકે છે. જો કે કોંગ્રેસના નિર્ણયે સૌને ચોંકાવી દીધા હતા. વાડ્રાએ કહ્યું હતું કે તેઓ જનતાની વચ્ચે રહે છે અને તેથી રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. તે જ સમયે, અમેઠી અને રાયબરેલીની ફાઇનલ પછી ભાજપે પણ ટોણો માર્યો અને કહ્યું કે વાડ્રા પરિવારને સાઈડમમાં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કોંગ્રેસને વધુ એક ઝાટકો, પુરીના ઉમેદવારે પરત કરી ટિકિટ, કહ્યું: પ્રચાર માટે પૈસા નથી