ઉત્તર ગુજરાતગુજરાત

લૂંટ વીથ ડબલ મર્ડરની ઘટનાઃ સાસુ-સસરાથી કંટાળેલી પુત્રવધુ અને પૌત્રએ ખેલ્યો ખૂની ખેલ

હિંમતનગર, 3 મે 2024, ખેડ તસિયા રોડ પર આવેલા રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેની પત્નીની હત્યા તેમજ લૂંટના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. ડબલ મર્ડર સાથે લૂંટની આ ઘટનામાં પુત્રવધૂ, પૌત્ર તેમજ તેના મિત્રની પોલીસે ધરપકડ કરી રોકડ રૂપિયા 30.30 લાખ તથા સોનાના દાગીના 129.598 ગ્રામનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. લૂંટ વીથ ડબલ મર્ડરની આ ઘટનામાં સાસુ-સસરાના ત્રાસથી કંટાળેલી પુત્રવધૂ અને પૌત્રએ ભેગાં મળીને મિત્રની મદદ લઇ હત્યા માટે રૂપિયા 10 લાખની સોપારી આપી હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે હાલ તો લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલા ચાર શખસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા પોલીસ દોડતી થઈ
આ અંગે નાયબ પોલીસ અધીક્ષક એ.કે.પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, રામનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા તેમના પત્ની મનહરબાની તેમના ઘરમાં મંગળવારે હત્યા કરવામાં આવી હતી. લૂંટ વિથ મર્ડરની આ ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત પોલીસકર્મી વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા તેમની પત્ની મનહરબા ભાટીની અજાણ્યા બે ઇસમો દ્વારા હત્યા કરીને ઘરમાં રહેલા રોકડા રૂપિયા 35 લાખ તથા સોનાના દાગીના 65 તોલા કિંમત રૂપિયા 42,25,000ની લૂંટના બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પુછપરછમાં મહિલા આરોપી ભાંગી પડી
હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન તથા એલસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક મુલાકાતમાં મૃતક વિક્રમસિંહ તથા મનહરબા ભાટીના દીકરા વનરાજસિંહની પત્ની મીત્તલકુમારીના રસોડામાં લોહીના ડાઘાવાળા પગલા પડ્યા હતા.તે જગ્યાએ કપડુ મારીને નિશાની હટાવી હોવાનુ ખુલ્યું હતું. જેથી મીત્તલકુમારીની અલગ અલગ રીતે પુછપરછ કરતા મીત્તલકુમારી ભાંગી પડી હતી અને સમગ્ર હત્યાની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. મીત્તલકુમારીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેના સસરા નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટી તથા તેના સાસુ મનહરબા તેમને અને તેમના સગીરવયના દીકરાને માનસિક ત્રાસ આપતા હતા અને અવારનવાર ઝઘડો પણ કરતા હતા.જેથી ત્રાસથી કંટાળેલી મીત્તલકુમારી તથા તેમના સગીરવયના દીકરાએ ભેગા મળીને વિક્રમસિંહ ભાટી તથા મનહરબાની હત્યા કરવાનું નક્કી કરી દીધું હતું.

10 લાખમાં બન્નેની હત્યા કરવા માટેની સોપારી આપી
સગીરવયના દીકરાના મિત્ર હેત અતુલકુમાર પટેલનો સંપર્ક કરીને રૂપિયા 10 લાખમાં આ બન્નેની હત્યા કરવા માટેની સોપારી આપી હતી. હેત પટેલે વિક્રમસિંહ ભાટીને ગળાના ભાગે ચાકુ મારી મોતને ઘાટ ઉતારી દીધા હતાં ત્યાર બાદ મીત્તલકુમારી તથા તેના દીકરાએ મનહરબાનુ મોઢુ દબાવીને રાખ્યું હતું અને હેત પટેલ સાથે આવેલા અન્ય એક ઇસમે મનહરબાના ગળામાં ચાકુના ઘા મારી હત્યા કરી હતી. જોકે તે દરમિયાન હેત પટેલ અને સગીરવયના દીકરાએ બેડરૂમના લોકરમાં મુકેલા રૂપિયા 35 લાખ રોકડા તથા સોનાના દાગીનાનો થેલો લઇને નાસી ગયા હતા. હત્યાની ઘટનાની અંજામ આપ્યા બાદ મીત્તલકુમારીએ રસોડામાં પડેલા લોહીના પગલાં પોતા વડે સાફ કરી દીધા હતા તથા લોકરમાં મુકેલા અન્ય સોનાના દાગીના પોતાના બેડરૂમમાં સંતાડી દીધા હતા. જાણે કે કોઇ લૂંટારાઓ હત્યા કરીને ભાગી ગયા હોય તેવું નાટક કરી પોતાના પતિને ફોન કરી સોસાયટીમાં બુમો પાડી હતી અને લૂંટ વીથ મર્ડરની ઘટના બની હોવાનું પડોશીઓને જણાવ્યું હતું. પોલીસે આરોપીઓને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃઆયુષ્માન કાર્ડનો ગેરલાભ ઉઠાવ્યોઃ આઠ મહિનામાં રાજકોટના ડોક્ટરે અઢી કરોડ રૂપિયા પડાવ્યા

Back to top button