પાલનપુરની નાલંદા સોસાયટીનો રોડ તૂટી ગયો હતો, તાલુકા સ્વાગત કાર્યકમમાં અરજી કરીને રોડ બની ગયો
- સ્વાગત કાર્યક્રમથી પ્રજા અને સરકાર વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ બંધાયો
પાલનપુર : લોકોની ફરિયાદો અને પ્રશ્નોનું અસરકારક નિવારણ લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વાગત કાર્યક્રમાં અરજી કે ફરીયાદ આપ્યા પછી તેનું ચોક્કસ નિરાકરણ આવશે જ તેવો લોકોને ભરોસો પડતા આ કાર્યક્રમથી પ્રજા અને સરકાર વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ બંધાયો છે.
View this post on Instagram
સ્વાગત કાર્યક્રમના માધ્યમથી લોકોની આશા- અપેક્ષાઓ અને રજૂઆતોનો હકારાત્મક ઉકેલ આવતો હોવાથી આ કાર્યક્રમ ખુબ લોકપ્રિય બન્યો છે. વર્ષો જુના પ્રશ્નોનોના નિવારણ માટે લોકો સ્વાગત ઓનલાઈનના સહારે આવીને પોતાની સમસ્યાનું સુખદ સમાધાન મેળવી શકે છે. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો રજૂઆત અંગેની અરજી સંબંધિત ગામના તલાટી કમ મંત્રીને સંબોધી દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં મોકલવાની રહે છે. ૧૦ મી તારીખ બાદ મોકલાવેલી અરજી બીજા મહિનાના તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સુનાવણી થાય છે. સ્વાગત કાર્યક્રમ થકી ન્યાય મેળવનાર કેટલાય અરજદારો આજે સ્વાગત કાર્યક્રમ અને સરકારનો આભાર વ્યક્ત કરી સ્વાગત કાર્યક્રમની ૨૦ વર્ષની ઉજવણીમાં સહભાગી બની રહ્યા છે.
પાલનપુર શહેરના ગોબરી રોડ પર આવેલી નાલંદા સોસાયટીમાં રહેતા રમણલાલ ચિમનલાલ મોદીએ જણાવ્યું કે, અમારી સોસાયટી પાલનપુરના વોર્ડ નં. ૬ માં આવેલી છે, આ સોસાયટીમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરતી વખતે સોસાયટીનો જાહેર રોડ તૂટી ગયો હતો એટલે અમે આ બાબતે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં અમારી વાત કોઇ ધ્યાને લેતું નહોતું અને રોડ બનાવવામાં આવ્યો નહોતો. ત્યારબાદ અમને તાલુકા સ્વાગત કાર્યક્રમની જાણ થઇ અને અમે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી એટલે મામલતદાર એ રોડ બનાવવાની સુચના આપી અને ટુંક સમયમાં રોડ બની ગયો. તેમણે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારનો આભાર માનીએ છીએ કે અમારા રસ્તાનું કામ થઇ ગયું.
જિલ્લાના નાગરિકો સરકારના લોકાભિમુખ વહીવટથી વાકેફ બને, લોકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ સુખદ નિરાકરણ આવે તે માટે ગ્રામ્ય કક્ષાથી લઇ જિલ્લા કક્ષાએ એમ ત્રણ સ્તરે સ્વાગત કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાય છે. જેના થકી લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત સરળતાથી કરી શકે છે તેમજ તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તેવું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે છે.