12 જૂન, લાહોર: પાકિસ્તાનની ટીમે ગઈકાલે ICC T20 World Cup 2024માં કેનેડા સામે જીત મેળવીને પોતાની પહેલી જીત મેળવી છે. પરંતુ યુએસએ સામે પહેલી જ મેચ સુપર ઓવરમાં હારી ગયા બાદ અને ત્યારબાદ ભારત સામે 120 રન્સનો પણ ટાર્ગેટ એચીવ ન કરી શકતા બાબરની કપ્તાની પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો તો બાબર પાસેથી કપ્તાની છીનવી લેવાની જોરદાર વકીલાત કરી રહ્યા છે.
પરંતુ યક્ષપ્રશ્ન એ છે કે જો બાબરની કપ્તાની જાય તો તેના સ્થાને કોણ આવશે? કારણકે પાકિસ્તાની ક્રિકેટ ટીમનું કેપ્ટન હોવું એ કંટાળો તાજ છે. પાકિસ્તાનનું સમગ્ર ક્રિકેટ રાજકારણ પર આધારિત છે અને પાકિસ્તાનનું રાજકારણ પાકિસ્તાની સેના ઉપર આધારિત છે. આથી વારંવાર ટીમમાં, કોચિંગ સ્ટાફમાં અને PCBમાં એવા ફેરફાર કરવામાં આવે છે કે ક્યાંય સ્થિરતા જોવા મળતી નથી. આવામાં એવો કયો પાકિસ્તાની ખેલાડી હશે જે ટીમનો કેપ્ટન બનવાનું પસંદ કરશે તે જાણવું અત્યંત રસપ્રદ બની રહેશે.
પરંતુ, અમારી નજરે એવા ત્રણ ખેલાડીઓ આવ્યા છે જે બાબર આઝમના સ્થાને પાકિસ્તાન ટીમની બાગડોર સાંભળી શકે છે, શરત એક જ છે કે તેમને કપ્તાન તરીકે લાંબો સમય મળે.
મોહમ્મદ રિઝવાન: પાકિસ્તાનનો આ વિકેટ કીપર બેટ્સમેન કદાચ બાબર આઝમ પછી સહુથી લાયક કપ્તાન ગણવામાં આવે છે પરંતુ તે બાબર કેમ્પનો સભ્ય છે તે તેને નડી શકે છે. રિઝવાન આક્રમક માનસિકતા ધરાવે છે ઉપરાંત તેની ક્પ્તાનીવાળી ટીમે PSL ટાઈટળ પણ જીત્યું છે. જોકે રિઝવાન પાકિસ્તાની મીડિયા અને યુટ્યુબર્સને દીઠો ગમતો નથી એ પણ હકીકત છે.
શાહીન શાહ આફ્રીદી: પચાસ ઓવર્સના વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ બાબર આઝમને કેપ્ટનપદેથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને આફ્રિદીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ન્યુઝીલેન્ડ સામે એક T20I સિરીઝ હારી ગયા બાદ તુરંત જ શાહીન શાહ આફ્રિદીને કાઢી મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે જો શાહીન શાહ આફ્રીદીને ફરીથી કેપ્ટન બનવાની ઓફર આપવામાં આવે તો શું તે સ્વીકારશે ખરો તે જોવું રસપ્રદ રહેશે.
શાદાબ ખાન: શાદાબ પણ બાબર કેમ્પનો હોવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત હાલમાં તેનું બેટિંગ અને બોલિંગ એમ બંને ફોર્મ નબળા છે. તેમ છતાં જો ટીમ પર શાંતિ અને ધીરજની અસર લાવવી હોય તો કદાચ શાદાબ ખાન અત્યંત યોગ્ય પસંદગી હશે તેમ જરૂર કહી શકાય.