30 મે, ગુવાહાટી: આસામ અને રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગની આ વર્ષની IPL સિઝન અત્યંત સારી ગઈ છે. ગત કેટલાક વર્ષથી રિયાન પોતાના ફોર્મ સાથે ઝઝૂમી રહ્યો હતો પરંતુ આ સિઝન દ્વારા તેણે પોતાની ટેલેન્ટનાં દર્શન તમામ ક્રિકેટ ફેન્સને કરાવ્યા છે. પરંતુ હવે એક ઇન્ટરવ્યુ દ્વારા આપણી સામે આવ્યો છે રિયાન પરાગનો સિલેક્ટર્સને આપવામાં આવેલો પડકાર.
રિયાન પરાગે કહ્યું છે કે તેને ભરોસો છે કે તે ટીમ ઇન્ડિયા વતી જરૂર રમશે. આટલું જ નહીં રિયાન પરાગનો સિલેક્ટર્સને પડકાર છે કે તેમણે એક સમયે તેને ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ કરવો જ પડશે.
આ વર્ષે રિયાન પરાગે રાજસ્થાન રોયલ્સ તરફથી ચોથા નંબરે બેટિંગ કરતાં 150ની સ્ટ્રાઈક રેટ સાથે 573 રન્સ બનાવ્યા હતા. IPL 2024માં સહુથી વધુ રન્સ બનાવનાર બેટ્સમેનોની રેસમાં રિયાન પરાગ ત્રીજા નંબરે રહ્યો હતો જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિરાટ કોહલી પ્રથમ સ્થાને આવ્યો હતો જેને ઓરેન્જ કેપ મળી હતી.
આ ઉપરાંત રિયાને સમગ્ર સિઝનમાં 16 મેચો રમી હતી અને ચાર હાફ સેન્ચુરીઝ પણ કરી હતી. આ અગાઉ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રિયાન પરાગે જબરદસ્ત દેખાવ કર્યો હતો. આ દેખાવને કારણે જ રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટે તેના પરનો વિશ્વાસ જાળવી રાખીને તેને ટીમમાં પરત લીધો હતો. IPL શરુ થઇ તે પહેલાં રિયાન પરાગને પૂણે ખાતે રાજસ્થાન રોયલ્સની એકેડમીમાં ખાસ ટ્રેનીંગ માટે મોકલવામાં આવ્યો હતો.
છેલ્લી પાંચ સિઝનમાં રિયાન પરાગ સમગ્ર IPLમાં પૂરા 200 રન્સ પણ બનાવી શક્યો ન હતો, પરંતુ આ વર્ષના તેના દેખાવ બાદ તેને લાગી રહ્યું છે કે તે ટીમ ઇન્ડિયા તરફથી જરૂર રમશે. પરાગે કહ્યું હતું કે, ‘ક્યારેક તો તમારે (સિલેક્ટર્સે) મને સિલેક્ટ કરવો જ પડશે. મને ખબર નથી કે એ દિવસ ક્યારે આવશે પરંતુ હું ભારત માટે જરૂર રમીશ.’
રિયાન પરાગે આગળ કહ્યું હતું કે, ‘જ્યારે મારા રન્સ નહોતા બની રહ્યા ત્યારે પણ મેં કહ્યું હતું કે હું ભારત માટે જરૂર રમીશ. આ મારો પોતાના પરનો વિશ્વાસ છે, અહંકાર નથી. જ્યારે મેં 10 વર્ષની ઉંમરે રમવાનું શરુ કર્યું હતું ત્યારે જ મારા પિતા સાથે મેં આ યોજના બનાવી દીધી હતી.’
રિયાન પરાગના પિતા પરાગ દાસ આસામ અને રેલ્વે માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે.