રીવાબા જાડેજાનું મંત્રી બનવાનું નક્કી ? શરુ થઈ અટકળો
ગુજરાત વિધાનસભામાં ભાજપે પ્રચંડ જીત હાંસિલ કરી છે, ત્યારે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી વજેતા બનેલા રીવાબા જાડેજાએ તાજેતરમાં જ એક તસવીર શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે અને તેની પર ઘણાં લોકો કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. આ તસવીરમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ તેની સાથે જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતના રાજકારણમાં મહિલાઓનો દબદબો : એકલા ભાજપની 14માંથી 13 ઉમેદવારોની જીત
જામનગર ઉત્તરથી 50 હજારથી વધુ જંગી બહૂમતીથી જીતેલા રીવાબા જાડેજાનો તાજેતરમાં MLA લખ્યું હોય તેવી નેમ પ્લેટ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તેમના પતિ એટલે કે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ જોવા મળી રહ્યો છે.ફોટોમાં રીવાબા જાડેજા MLA ગુજરાત એમ લખેલી નેમપ્લેટ લઈને ઉભેલા જોવા મળી રહ્યાં છે. આ ફોટો બાદ રીવાબાને કોઈ મંત્રી પદ મળી શકે છે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મંત્રી બની શકે છે રીવાબા જાડેજા !
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વારંવાર રીવાબા જાડેજાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે, તેથી એવી અટકળો જોવા મળી રહી છે કે ગુજરાતની નવી સરકારમાં તેમનો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવી શકે છે. રીવાબાને મંત્રી પદ મળવાનું એક કારણ એ પણ હોય શકે છે કે રીવાબા ઘણા યુવા નેતા છે અને તેમા પણ એક મહિલા ધારાસભ્ય છે, આ સિવાય તેઓ અનેક સામાજિક ગતિવિધિઓમાં સંકળાયેલા છે. આ સિવાય જામનગરમાં એવી અટકળો પણ જોવા મળી રહી છે કે યુવા હોવાથી તેમને રમતગમત વિભાગના મંત્રી બનાવવામાં આવી શકે છે.
જંગી બહુમતીથી વિજય
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર ઉત્તરથી રીવાબા જાડેજા 88,835 જેટલાં મતોથી વિજય થયાં છે. સંપૂર્ણ જામનગર ઉત્તર બેઠકના તમામ મતોમાંથી 57.79 ટકા જેટલાં મતો માત્ર રીવાબાના નામે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે રીવાબા જાડેજાનો તેમના જ નણંદ અને સસરા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે તેઓ બંને કોંગ્રેસ પક્ષને સમર્થન કરતા હતા અને રીવાબા જાડેજા ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યાં હતા, જો કે આ લડતમાં રીવાબાના પતિ એટલે કે ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તેમને ખૂબ સાથ આપ્યો હતો.