નવી દિલ્હી, 18 ડિસેમ્બર : દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો માટે એડવાઈઝરી બહાર પાડી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા માટે કેટલાક સાવચેતીના પગલાં લેવા જરૂરી છે જેથી આ વાયરસના ફેલાવાના જોખમને શક્ય તેટલું ઓછું કરી શકાય. આ એડવાઈઝરીમાં રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગોના જિલ્લાવાર ડેટા પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે તેમજ આ બાબતે નિયમિત અપડેટ કરતા રહેવા પણ આદેશ કરવામાં આવ્યા છે.
કેરળની 79 વર્ષીય મહિલામાં નવો વેરીએન્ટ દેખાયો
ઉલ્લેખનીય છે કે, કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1ની પુષ્ટિ થયા બાદ આ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. હકીકતમાં, કેરળની 79 વર્ષીય મહિલામાં તેની પુષ્ટિ થઈ હતી. મહિલાનું RT-PCR ટેસ્ટનું પરિણામ 18 નવેમ્બરે આવ્યું હતું. જેમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે. અગાઉ, સિંગાપોરથી પરત આવેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ JN.1 સબ-વેરિયન્ટ મળી આવ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.
કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 50 લાખ 4 હજાર 816 કેસ નોંધાયા છે. ત્યારે વધુ 5 દર્દીઓના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 316 થઈ ગયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 44 લાખ 69 હજાર 799 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, દેશનો રિકવરી રેટ 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
નિષ્ણાતો આ વેરીઅન્ટ ઉપર શું કહે છે?
આ નવા વેરિઅન્ટ વિશે માહિતી આપતાં, ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના ચીફ ડૉ. એન.કે. અરોરાએ સમાચાર એજન્સી ANIને કહ્યું, ‘આ BA.2.86નું સબ-વેરિઅન્ટ છે. અમારી પાસે JN.1 ના કેટલાક કેસો છે. તેમણે કહ્યું, ‘ભારત નજર રાખી રહ્યું છે અને તેથી જ અત્યાર સુધી કોઈ હોસ્પિટલમાં દાખલ કે ગંભીર બીમારીની જાણ થઈ નથી.’