‘રિશ્તે મેં હમ પાકિસ્તાન કે બાપ લગતે હૈં’, આ શું કહી ગયા કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
- કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો જવાબ આપતા કહ્યું કે ‘રિશ્તે મેં હમ પાકિસ્તાન કે બાપ લગતે હૈં’
દિલ્હી, 11 મે: કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો જવાબ આપ્યો છે. જેના કારણે તેઓ ચર્ચામાં છે. વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું – “વિપક્ષના લોકો રોજ વડાપ્રધાન મોદીને ગાળો આપે છે. ભારતમાં સ્વસ્થ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે અને લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ હોવો જોઈએ. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે 4 જૂન પછી નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે. વધુમાં તેમણે કહ્યુ કે, “મણિશંકર ઐયર હોય કે કોંગ્રેસના અન્ય નેતાઓ, આ બધા લોકો ભારતમાં રહે છે અને પાકિસ્તાનના ગીતો ગાય છે, તેથી હું તેમને કહેવા માંગુ છું કે, ‘રિશ્તે મેં હમ પાકિસ્તાન કે બાપ લગતે હૈં.”
મુસ્લિમો ભારતમાં સુરક્ષિત છે: આચાર્ય પ્રમોદ કૃષ્ણમે
ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે વિપક્ષ સંપૂર્ણ રીતે નાદાર થઈ ગયો છે, આ લોકો દેશની જનતાને ડરાવવા માંગે છે. ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈઓ ને, કારણ કે તેઓ વિચારે છે કે પીએમ મોદીનો ડર બતાવીને મુસ્લિમોને ડરાવી શકાય છે, જ્યારે સત્ય એ છે કે ભારતમાં મુસ્લિમો સૌથી સુરક્ષિત છે. વિપક્ષે હિંદુ-મુસ્લિમ વચ્ચે અંતર ઉભું કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેથી હું દરેકને અપીલ કરવા માંગુ છું કે હિન્દુ અને મુસ્લિમ હોવું એ ગૌણ બાબત છે, સૌ પ્રથમ આપણે ભારતીય છીએ.
પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે પીએમ મોદી જે કહે છે તેના પર લોકોએ વિશ્વાસ કરવો જોઈએ, પીએમ મોદી હિન્દુઓના જેટલા છે એટલા જ મુસ્લિમોના પણ છે. કોંગ્રેસના નેતાઓ દરરોજ એ જ વિચારે છે કે કેવી રીતે હિન્દુ-મુસ્લિમ, જાતિ અને ભાષાના નામે દેશ વિભાજિત થાય. વિપક્ષ પોતાની ભાષા બોલવાને બદલે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યો છે.
મણિશંકર ઐયરનો જૂનો ઈન્ટરવ્યુ થયો હતો વાયરલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ નહીંતર દેશને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. ઐયરે કહ્યું કે, ‘જો આપણી સરકાર પાકિસ્તાનને પરેશાન કરશે તો પાકિસ્તાન પાસે પણ પરમાણુ બોમ્બ છે જેને તેઓ ભારત પર છોડી શકે છે. ઈન્ટરવ્યુમાં ઐયર કહે છે, “ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે તેની પાસે પરમાણુ બોમ્બ છે! જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત વિરુદ્ધ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાનું વિચારશે.”
તેણે કહ્યું હતું કે, “તમારે તેમની સાથે વાત કરવી જોઈએ. પરંતુ તેના બદલે, આપણે આપણી સૈન્ય શક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેનાથી માત્ર તણાવ વધી રહ્યો છે. અને તેમની પાસે પરમાણુ બોમ્બ છે. જો કોઈ ‘પાગલ માણસ’ ભારત પર બોમ્બ ફેંકવાનું નક્કી કરશે તો શું થશે?’
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણીપંચે કર્યું જાહેર