ઋષિ સુનક બનશે બ્રિટનના નવા PM? રેસમાં સૌથી આગળ
બ્રિટનના નવા PM માટેની ચૂંટણીમાં ભારતીય મૂળના ઋષિ સુનકનો દાવો મજબૂત બન્યો છે. સુનકે ચૂંટણીના પહેલા રાઉન્ડમાં જબરદસ્ત જીત મેળવી છે, ત્યારબાદ તે બ્રિટિશ પીએમ પદ માટે પ્રબળ દાવેદાર બની ગયા છે. બ્રિટનના નવા પ્રધાનમંત્રીની ચૂંટણી માટે પ્રથમ રાઉન્ડનું મતદાન થયું. તેમાં ઋષિ સુનકને 88 મત મળ્યા હતા. તો બીજા ક્રમે આવેલા વાણિજ્ય મંત્રી પેની મોર્ડાઉન્ટને 67 મત મળ્યા હતા.
વિદેશ મંત્રી લિઝ ટ્રુસ 50 મતો સાથે ત્રીજા ક્રમે છે. પૂર્વ કેબિનેટ મંત્રી કેમી બેડેનોચને 40 મત મળ્યા હતા. બેકબેન્ચર ટોમ તુગેન્ધતને 37 વોટ અને એટર્ની જનરલ સુએલા બ્રેવરમેનને 32 વોટ મળ્યા.
બ્રિટનમાં પ્રથમ રાઉન્ડના મતદાન પછી, ભારતીય મૂળના બંને ઉમેદવારો ઋષિ સુનક અને સુએલા બ્રેવરમેન આગલા રાઉન્ડમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યા. મત મેળવનારાઓની યાદીમાં સુનક નંબર-1 પર છે. ઋષિ સુનકને તેમના નજીકના હરીફ પેની મોર્ડન્ટ કરતાં 13 વોટ વધુ મળ્યા.
8માંથી 2 દાવેદાર રેસમાંથી બહાર
બ્રિટનના PM બોરિસ જોન્સનના રાજીનામા બાદ પ્રથમ રાઉન્ડની ચૂંટણી માટે 8 લોકોના નામ પર મહોર લગાવવામાં આવી હતી. નોમિનેશન લિસ્ટ ફાઈનલ થયા બાદ બુધવારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કાના મતદાન બાદ 8માંથી બે દાવેદારો રેસમાંથી બહાર થઈ ગયા હતા. વર્તમાન ચાન્સેલર નદીમ ઝહાવી અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી જેરેમી હંટને બીજા રાઉન્ડમાં જવા માટે જરૂરી વોટ મળ્યા નથી. પ્રથમ તબક્કામાં જીતવા માટે 30 સાંસદોના સમર્થનની જરૂર હતી. 5 સપ્ટેમ્બરે બ્રિટનના નવા PMની પસંદગી થશે.