નવી દિલ્હીઃ બ્રિટનની સત્તા હવે ભારતીય મૂળના ઋષિના હાથમાં છે. ઋષિ સુનક વડાપ્રધાન પદ પર પહોંચ્યા બાદ ભારતમાં પણ જશ્નનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મોટા નેતાઓએ તેમણે અભિનંદન આપ્યા છે. હવે આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ વડાપ્રધાન મોદી અને ઋષિ સુનકની મુલાકાત થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને નેતા ઈન્ડોનેશિયામાં થનારા જી-20 શિખર સંમેલન માટે 15-16 નવેમ્બર બાલીમાં મળી શકે છે.
એક જ મંચ પર હશે બંને નેતા
મળતી માહિતી મુજબ બધું જ યોગ્ય રહ્યું તો બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કામકાજ સંભાળી ચુકેલા ભારતીય મૂળના ઋષિ સુનકની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પહેલી મુલાકાત આગામી મહિને બાલીમાં થઈ શકે છે. જો કે આ દરમિયાન વડાપ્રધાન મોદી અને સુનકની દ્વિપક્ષીય મુલાકાતને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ દુનિયાની 20 મોટી અર્થવ્યવસ્થાઓના સંમેલન દરમિયાન બંને નેતા એક સાથે રહેશે અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.
માનવામાં આવે છે કે સુનક અને મોદીની સંભવિત મુલાકાતને લઈને ભારત અને બ્રિટન વચ્ચે ચાલી રહેલા વેપાર સમજૂતીને પણ ગતિ મળી શકે છે. આ પહેલા આ સમજૂતી માટે દિવાળી-2022 સુધી થઈ જશે તેવી આશા હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ડીલ માટે વડાપ્રધાન મોદી લંડન જઈ શકે છે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.