સ્પોર્ટસ

ઋષભ પંતના ઘૂંટણની સફળ સર્જરી કરાઈ, તબિયતમાં થઈ રહ્યો છે ઝડપથી સુધારો

Text To Speech

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઋષભ પંત માર્ગ અકસ્માતનો ભોગ બન્યા બાદ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શુક્રવારે તેમના ઘૂંટણની સફળ સર્જરી કરવામાં આવી હતી. સમાચાર એજન્સી ANIને સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. હાલમાં પંત મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. રૂરકી પાસે કાર અકસ્માતમાં તેને ગંભીર ઈજા થઈ હતી.

Rishabh Pant Car Burns Image
Rishabh Pant Car Burns Image

પંત 30 ડિસેમ્બરે અકસ્માતનો શિકાર બન્યો હતો

ઉલ્લેખનીય છે કે, ઋષભ પંત 30 ડિસેમ્બરના રોજ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમની કારને રૂરકી નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થઈ હતી. તે પોતાની પ્રાઈવેટ કારમાં દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો અને પોતે જ ડ્રાઈવ કરી રહ્યો હતો. 25 વર્ષીય બેટ્સમેન પોતે વિન્ડ સ્ક્રીન તોડીને કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો, મેદાનમાં જેવો લડાઈનો જુસ્સો બતાવ્યો. આ પછી કારમાં આગ લાગી હતી. આ અકસ્માતની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને વીડિયો પણ સામે આવ્યો હતો.

પંતને મળવા ઘણા લોકો આવ્યા હતા

અકસ્માત બાદ પંતને રૂરકીમાં જ પ્રાથમિક સારવાર બાદ દેહરાદૂનની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પછી, બીસીસીઆઈએ ડીડીસીએને પંતના સતત સંપર્કમાં રહેવાની સૂચના આપી હતી અને તેની સ્થિતિ પર નજર રાખવા કહ્યું હતું. DDCAના વડા શ્યામ શર્મા પોતે પંતને મળવા પહોંચ્યા હતા. આ સિવાય ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ પંતને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

DDCAએ મુંબઈ ખસેડવાનો નિર્ણય લીધો
DDCAએ મુંબઈ ખસેડવાનો નિર્ણય લીધો

4 જાન્યુઆરીએ મુંબઈ ખસેડવામાં આવ્યો હતો

મહત્વનું છે કે, 4 જાન્યુઆરીએ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) એ એક મોટો નિર્ણય લીધો અને પંતને સારવાર માટે મુંબઈ ખસેડ્યો. તેને એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે પંતના માથામાં બે કટ છે. તેના જમણા ઘૂંટણમાં અસ્થિબંધન ફાટી ગયું છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી, પગના અંગૂઠામાં પણ ઈજાઓ છે. તેમજ તેની પીઠ પર ઘર્ષણની ઈજા છે. એવી અટકળો ચાલી રહી છે કે BCCI આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પંતને જલદી ફિટ જોવા માંગે છે.

Back to top button