ઋષભ પંતના ઘૂંટણનું ઓપરેશન થશે, ODI વર્લ્ડ કપમાંથી થશે બહાર ?


અકસ્માત બાદ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની વાપસીને લઈ કંઈ કહી શકાય તેમ નથી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે પંત વર્લ્ડ કપ 2023 સુધીમાં ટીમમાં વાપસી કરશે, પરંતુ હવે તેના ઘૂંટણ અને પગની સર્જરીને લઈને સમાચાર આવી રહ્યા છે કે તે લગભગ 9 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. પંત તેના ઘૂંટણ અને પગની ઘૂંટીની ઈજા માટે ડબલ સર્જરી કરાવશે. બુધવારે પંતને BCCI દ્વારા દેહરાદૂનની મેક્સ હોસ્પિટલથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યો હતો.
પંત આ સર્જરી માટે લંડન જઈ શકે છે. જો કે તે ક્યારે જશે તે અંગે કંઈ સ્પષ્ટ થયું નથી. પરંતુ એક વાત નક્કી છે કે આ સર્જરી બાદ પંત લગભગ 9 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. BCCIના અધિકારીએ કહ્યું, “પંતને દેહરાદૂનથી મુંબઈ લાવવામાં આવ્યો છે. તેને આરામની જરૂર હતી અને દેહરાદૂનમાં આ શક્ય નહોતું. અહીં તે ઉચ્ચ સુરક્ષામાં રહેશે અને માત્ર પરિવારના સભ્યો જ તેને મળી શકશે. જલદી તે સ્વસ્થ થશે, ડોકટરો તેના લિગામેન્ટની ઇજાની સારવાર કેટલી જલ્દી થાય તે દિશામાં નિર્ણય લેશે.

ક્રિકેટથી 9 મહિના માટે દૂર રહેશે પંત
અધિકારીએ કહ્યું, “એકવાર જ્યારે ડોકટરોને લાગશે કે તે મુસાફરી કરવા માટે યોગ્ય છે, તો તેને સર્જરી માટે લંડન મોકલવામાં આવશે. અમને હજુ સુધી ખબર નથી કે તેને સાજા થવામાં કેટલો સમય લાગશે. સોજો ઓછો થયા પછી, ડૉ. પારડીવાલા અને તેમની ટીમ સારવારનો કોર્સ નક્કી કરશે. પંતને ઘૂંટણ અને પગની બંને ઓપરેશનની જરૂર પડશે. તેના કારણે ઋષભ પંતને લગભગ નવ મહિના સુધી ક્રિકેટથી બહાર રહેવુ પડશે.”

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “અત્યારે અમે તેની વાપસી વિશે વાત કરવા માંગતા નથી. અત્યારે તમામ ધ્યાન તેની રિકવરી પર છે. તેને સ્વસ્થ થવા દો. તે પછી ક્રિકેટ માટે પાછો આવશે. આ લાંબો સમયગાળો છે. જ્યારે તે 100 ટકા સ્વસ્થ થશે, ત્યારે અમે તેના પરત આવવા વિશે વાત કરીશું. બીસીસીઆઈ પંતને જરૂરી દરેક વસ્તુ પૂરી પાડશે.”