ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ નહિ રમી શકે રિષભ : વિકેટ કીપર માટે આ ખેલાડીઓ વચ્ચે જંગ
ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, તેથી હવે એ સ્પષ્ટ નથી થયું કે તેને મેદાનમાં પરત ફરવામાં કેટલો સમય લાગશે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIના સૂત્રોનું કહેવું છે કે પંત ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં રમી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે હવે શ્રીલંકા સામે T20 અને ODI શ્રેણી રમવાની છે. આ બંને શ્રેણી માટે ઋષભ પંતની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. જોકે, પંત ઓસ્ટ્રેલિયા સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં રમવાનો હતો. પરંતુ હવે અકસ્માતને કારણે તે ટીમનો ભાગ નહીં બની શકે, ત્યારે પંતની જગ્યાએ કયા ખેલાડીને તક મળે તે માટેની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયા સાથે 9 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ચાર ટેસ્ટ મેચ રમવાની છે.
આ પણ વાંચો ; ના ઓવરસ્પીડ, ના ઊંઘ… આ કારણે પંતની કારનો થયો અકસ્માત, પોલીસે જણાવ્યું કારણ
આ ખેલાડીઓ વચ્ચે થશે ટક્કર
જો પંત આ શ્રેણીમાં નહીં રમે તો તેના સ્થાને કેએસ ભરત અથવા ઈશાન કિશનને ભારતીય ટીમમાં સામેલ કરી શકાય છે. આ સિવાય પંતની જગ્યાએ ઉપેન્દ્ર યાદવ અથવા સંજુ સેમસનને પણ તક આપવામાં આવી શકે છે. નવી પસંદગી સમિતિ પાસે પંતને બદલવા માટે ત્રણ વિકલ્પ હશે. જેમાં ઈન્ડિયા A ના બે વિકેટકીપર ભરત અને ઉપેન્દ્ર સીધા મુખ્ય ટીમમાં આવે અથવા ઈશાન કિશન જેવા વિસ્ફોટક ખેલાડીને તક આપી શકાય, તેવા વિકલ્પો છે. તે જ સમયે, સંજુ સેમસન પણ ટેસ્ટ ટીમનો ભાગ બની શકે છે.
ઈશાન અથવા સંજુ સેમસન પણ સારો વિકલ્પ
કે એસ ભરત ટેસ્ટ ટીમનો બીજો વિકેટ કીપર હોવાથી તે ભારત માટે નાગપુરની પ્રથમ મેચમાં ડેબ્યુ કરી શકે, તેવી સંભાવનાઓ છે. જો કે, આ સિવાય ઉપેન્દ્ર યાદવ અત્યારે 45 થી વધુની એવરેજથી સ્કોર કરે છે તેથી તે પણ એક વધુ સારો વિકલ્પ લાગે છે. જો કે, પંત પાસે જે X ફેક્ટર છે, તે આ બંનેમાંથી એક પણ પાસે નથી. આ ઉપરાંત ઈશાન અથવા સંજુ સેમસન પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દબાણનો સામનો કરી ચૂક્યા છે, તેથી આ બંને વધુ સારા વિકલ્પો હોઈ શકે છે.
રિષભ પંતનો અકસ્માત
ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત સાથે શુક્રવાર 30 ડિસેમ્બરે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. તેમની કારને રૂરકી નજીક અકસ્માત નડ્યો હતો. પંત પોતે કાર ચલાવી રહ્યો હતો અને તેની કાર ડિવાઈડર સાથે અથડાતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલમાં ઋષભ પંતની દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેના ઘણા રિપોર્ટ પણ અહીં થયા હતા. એવું કહેવામાં આવ્યું છે કે પંતને માથા અને પગમાં સૌથી વધુ ઈજાઓ થઈ છે. આ કારણે તેમના મગજ અને કરોડરજ્જુનું એમઆરઆઈ સ્કેન પણ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ નોર્મલ આવ્યો છે. અકસ્માત બાદ રિષભની હાલત સ્થિર છે. તેના મગજ અને કરોડરજ્જુમાં કોઈ ઈજા થઈ ન હતી. હવે તેના ઘૂંટણ અને પગની ઘૂંટીનું સ્કેન કરવાનું બાકી છે. પંતના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. તબીબોના જણાવ્યા અનુસાર તેના પગમાં ફ્રેક્ચર છે, પરંતુ તે બહુ ગંભીર નથી.