ગુજરાત
રાજકોટમાં રીસામણે રહેલી પુત્રવધુએ વૃદ્ધ સાસુના બંધ ઘરમાં ઘુસી પતાવી દેવાની ધમકી આપી
રાજકોટમાં હાર્દસમા વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલાના બંધ ઘરમાં તાળું તોડી ઘુસી ગયા બાદ પુત્રવધુએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધાના દીકરા સાથે પુત્રવધુને બનતું ન હોવાથી રિસામણે ચાલી ગઈ હતી.
ફરિયાદી વૃદ્ધ મહિલા નિવૃત શિક્ષિકા, 2009માં દીકરાના લગ્ન કર્યા હતા
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નંબર 4માં રહેતા નિવૃત્ત શિક્ષિકાએ પોતાની પુત્રવધુ સામે ઘરમાં ગેરકાયદે ઘૂસી, તાળા તોડી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી અજબાઇબેન નારણભાઈ રાઠોડ (ઉ.વ 73) નામના વૃદ્ધાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાની પુત્રવધુ કૃતિનું નામ આપ્યું છે. તેઓ અગાઉ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. હાલ નિવૃત્તિનું જીવન પસાર કરે છે. વર્ષ 2009માં તેમના પુત્ર પાર્થના લગ્ન રાજકોટ રહેતા દાનસિંગભાઈ ડોડીયાની પુત્રી કૃતિ સાથે થયા હતા.
પુત્રવધુએ ભરણપોષણ અંગેનો કોર્ટમાં કેસ કર્યો, 10 હજાર ચુકવાતું હતું
બાદમાં બંને વચ્ચે અણબનાવ થતા 2012માં કૃતિ ઘર છોડી જતી રહી હતી અને 2014 માં તેણે ભરણપોષણ અંગેનો કોર્ટમાં કેસ કર્યો હતો અને માસિક રૂ.10 હજાર ભરણપોષણ નક્કી થયું હતું. જે ફરિયાદીનો પુત્ર નિયમિત રીતે ચૂકવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ દરમિયાન ગઈકાલે સાંજે અજબાઇબેન આફ્રિકા કોલોનીમાં રહેતી તેમની પુત્રી સેજલના ઘરે હતા ત્યારે તેમના પુત્ર પાર્થનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કૃતિ આપણા ઘરમાં તાળું તોડીને ઘૂસી ગઈ છે.
વૃદ્ધ સાસુને ધક્કો મારી પછાડી દઈ ધમકી આપી, અગાઉ પણ ઘરમાં ઘુસ્યા હતા
જેથી અજબાઇબેન અને તેમની દીકરી ઘરે આવતા તાળા તૂટેલા હતા અને કૃતિ અંદર હોય બાદમાં કૃતિને આ બાબતે પૂછતા તેણે અજબાઇબેનને ધક્કો મારી કહ્યું હતું કે, ‘તું અહીંયા મને નહીં રહેવા દે તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત ગત તા.30/6ના રોજ પણ કૃતિ તથા તેના માવતર પક્ષના સભ્યો અહીં ઘરમાં ઘૂસી આવ્યા હતા. મકાનમાં દરવાજાના તાળા તોડી રૂ.1 હજારનું નુકસાન કર્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે તેની પુત્રવધુ કૃતિ સામે આઈપીસીની કલમ 425, 427, 504, 506(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.