તમિલનાડુ: વંદે ભારત ટ્રેન પર તોફાનીઓએ પથ્થરમારો કર્યો, 9 કોચને થયું નુકસાન
ચેન્નઈ (તમિલનાડુ), 05 ફેબ્રુઆરી: ચેન્નઈ અને તિરુનેલવેલી વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને 4 ફેબ્રુઆરીએ કેટલાક તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન થુથુકુડી જિલ્લાના મણિયાચી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી, જ્યાં હુમલાખોરોએ અચાનક ચાલતી ટ્રેન પર પથ્થરમારો કર્યો, જેના કારણે ટ્રેનના તમામ કોચને ભારે નુકસાન થયું હતું. આ હુમલામાં ઓછામાં ઓછા 9 કોચને નુકસાન થયું હતું અને કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. ત્યારબાદ રેલવે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
તોફાનીઓની તપાસ હાથ ધરાઈ
હાલ પોલીસે આ ઘટના અંગે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, ઘટનામાં સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. તિરુનેલવેલી જંકશન રેલવે સ્ટેશન મેનેજર બાબા રાજીવકુમારે આપેલા નિવેદનમાં પુષ્ટિ કરી કે ટ્રેનના ક્ષતિગ્રસ્ત ભાગોનું હાલમાં સમારકામ કરવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેનને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા માટે જવાબદાર લોકોની ઓળખ કરવા અને તેમની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. જો કે, હુમલાખોરોએ ક્યાં કારણોસર ટ્રેન પર પથ્થરમારો કર્યો તે પાછળનું કારણ જાણી શકાયું નથી.
અગાઉ પણ વંદે ભારત પર કરાયો હતો હુમલો
આ ઘટના બાદ વંદે ભારત ટ્રેનને સુરક્ષિત રીતે નેલી જંકશન રેલવે સ્ટેશન પર લાવવામાં આવી હતી, જ્યાં રિઝર્વ લાઇન પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સે ઘટનાની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, અધિકારીઓએ તૂટેલા કાચને બદલવાની ઝડપી વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ વંદે ભારત ટ્રેન તેની સામાન્ય સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. જો કે, આ પહેલીવાર નથી કે વંદે ભારત ટ્રેન પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હોય. ગયા વર્ષે ઈન્દોર-નાગપુર વંદે ભારત એક્સપ્રેસ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થરમારો કરાયો હતો. ત્યારે કોચનો કાચ ફાટતાં કોચની અંદરના મુસાફરો ગભરાઈ ગયા હતા.
આ પણ વાંચો: ઉજ્જૈન પાસે સતત બીજા દિવસે વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો